હવે લગાવી જૂઓ બૂલેટમાં ‘ફટફટિયા’વાળું સાયલેન્સર…! ત્રણ દિવસમાં 107 બૂલેટ ડિટેઈન
- તમામને આરટીઓનો મેમો પકડાવાયો: ૬૦૦૦નો દંડ ભર્યા બાદ ઓરિજનલ સાયલેન્સર ફિટ કરાવ્યા બાદ જ થયો `છૂટકારો’
- મગજ ફેરવી નાખતાં તમામ સાયલેન્સર જપ્ત: સાયલેન્સર ફિટ કરાવવા માટે `બૂલેટબાબા’ની રઝળપાટ, અમુકે હાથે જ ફિટ કર્યા તો અમુક કારીગર શોધવા નીકળ્યા
વોઈસ ઓફ ડે, રાજકોટ
રાજકોટના માર્ગો ઉપર પસાર થાવ એટલે અચાનક જ `ફટફટિયા’ મતલબ કે મગજની તમરી બોલી જાય તેવું સાયલેન્સર લગાવીને નીકળે એટલે થોડીવાર માટે લોકો હક્કાબક્કા રહી જતાં હોય છે. ઘણી વખત આ પ્રકારના સાયલેન્સરને કારણે અકસ્માત તેમજ માથાકૂટના બનાવો પણ બને છે ત્યારે હવે પોલીસ દ્વારા આવા તત્ત્વોને સીધાદોર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એકંદરે કોઈ પણ બૂલેટચાલક આ પ્રકારનું સાયલેન્સર ફિટ કરાવતાં પહેલાં સો વખત વિચાર કરે તે પ્રકારની કાર્યવાહી કરીને પોલીસે એક ઉમદા દાખલો બેસાડ્યો છે. પોલીસે ત્રણ દિવસની આવા ૧૦૭ બૂલેટ ડિટેઈન કરતાં તેના માલિકોમાં દોડધામ મચી જવા પામી હતી.
પોલીસે સાયલેન્સર સાથે છેડછાડ કરી ભયનું વાતાવરણ ઉભું કરનારા ચાલકો સામે દંડરૂપી કાર્યવાહી તો કરી જ સાથે સાથે દરેક ચાલકની `પરીક્ષા’ પણ લઈ નાખી હતી. પોલીસે ૧૦૭ બૂલેટચાલકોને આરટીઓનો મેમો પકડાવ્યો હતો. આ તમામ બૂલેટ શુક્રવારે ડિટેઈન કરવામાં આવ્યા હોવાથી શનિ-રવિની રજાને કારણે બૂલેટ શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશન પર જ પડ્યા રહ્યા હતા. આ પછી સોમવારે તેને છોડાવવા માટે માલિકોએ દોટ મુકવી પડી હતી અને પ્રત્યેક બૂલેટ છોડાવવા માટે આરટીઓમાં ૬,૦૦૦નો ફરજિયાત દંડ ભરવો પડ્યો હતો.

જો કે દંડ ભરપાઈ કરીને વાહન છોડી દેવાની જગ્યાએ પોલીસે નવતર અભિગમ પણ દાખવ્યો હતો. દંડ ભરીને તેની પહોંચ સાથે શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશન ખાતે પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું હતું કે પહેલાં બૂલેટનું જે ઓરિજનલ સાયલેન્સર છે એ ફિટ કરાવો પછી જ વાહનનો `છૂટકારો’ થશે ! આ સાંભળીને બૂલેટમાલિકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા કેમ કે ૧૦૭ પૈકીના અનેકે જૂનું સાયલેન્સર ભંગારમાં આપી દીધું હતું તો અનેકના સાયલેન્સર ખોવાઈ ગયા હતા ! અનેક અરજ, ભલામણ, આજીજી કર્યા બાદ પણ પોલીસ ટસની મસ ન થતાં આખરે ઓરિજનલ સાયલેન્સર શોધવા માટે દોડાદોડી શરૂ કરવી પડી હતી.

એકંદરે સવારે ૯ વાગ્યાથી જ શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશન ખાતે બૂલેટ માલિકોનો જમાવડો થઈ ગયો હતો અને જેમણે જેમણે અસલ સાયલેન્સર ફિટ કરાવ્યું તેમને જ માફીપત્ર લખાવીને બૂલેટ સોંપવામાં આવ્યું હતું. એકંદરે જૂનું સાયલેન્સર ફિટ કરાવવા માટે અમુક બૂલેટમાલિકોએ કારીગર શોધવા પડ્યા હતા તો અમુકે પોતાના હાથે જ પાના-પક્કડથી સાયલેન્સર ફિટ કરવાનું શરૂ કર્યું હતું !!
બૂલેટમાલિકોએ પોલીસ સામે પણ વ્યક્ત કર્યો રોષ !
– શહેરમાં બેફામ સ્પીડે છકડા દોડે છે તેને કેમ નથી પકડતાં ?
– પોલીસના વાહનોમાં પણ કાળા કાચ, નંબરપ્લેટ નથી હોતા તો કાર્યવાહી કેમ નહીં ?
– અમને કંપનીએ જે સાયલેન્સર આપ્યું તે જ લગાવેલું છતાં ડિટેઈન કેમ નહીં ?
– શહેરમાં પોલીસ કરતાં ટ્રાફિક વોર્ડન વધુ `વટ’ પાડે છે તો એનું શું ?
– આવી જ ડ્રાઈવ માત્ર પોલીસ માટે કરાય તો ટોઈંગ સ્ટેશનમાં જગ્યા નહીં વધે !
હું તો હોસ્પિટલે ટિફિન આપવા જતો’તો અને પકડાઈ ગયો !
યુવરાજસિંહ પરમાર નામના એક બૂલેટચાલકે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હુું મારા પરિવારજન બીમાર હતા એટલે બૂલેટ લઈને તેમને ટિફિન આપવા જઈ રહ્યો હતો બરાબર ત્યારે જ પકડાઈ ગયો હતો. મારું બુલેટ ૨૦૦૮ની સાલનું છે અને તેમાં કંપનીએ જે સાયલેન્સર ફિટ કર્યું છે તે જ વાપરું છું આમ છતાં પોલીસે તેને ડિટેઈન કર્યું હતું.

હાશ ! મારું બૂલેટ માંડ માંડ છૂટ્યું
શીતલ પાર્ક ખાતે ટ્રાફિક પોલીસના ટોઈંગ સ્ટેશનમાં સવારે ૯ વાગ્યાથી ડિટેઈન થયેલા બૂલેટ છોડાવવા માટે તેના માલિકો ઉમટી પડ્યા હતા પરંતુ પોલીસે મુકેલી `શરત’ને કારણે દોડધામ પણ થઈ જતાં ત્રણેક કલાક સુધી હેરાન થયા બાદ વાહન છૂટતાં એવું કહેતાં પણ સાંભળવા મળ્યા હતા કે હાશ ! મારું બૂલેટ માંડ માંડ છૂટ્યું છે…
અમે ભલામણ રાખીએ તો ડીસીપી અમારો `વારો’ કાઢી નાખશે…!
બૂલેટ ડિટેઈન કર્યા બાદ તેમાં ફરજિયાત જૂનું સાયલેન્સર ફિટ કરવાનો ડીસીપી કક્ષાએથી આદેશ છૂટ્યો હોય સ્ટાફ દ્વારા સીધી લીટીમાં જ કામ કરવાનું પસંદ કરાયું હતું. અમુક બૂલેટચાલકોએ પોલીસના `છેડા’ શોધીને ભલામણ પણ કરી હતી પરંતુ તેમને એક જ જવાબ મળ્યો હતો કે `અમે ભલામણ રાખશું તો ડીસીપી અમારો વારો કાઢી નાખશે…’
અનેક સાયલેન્સર સાથે પહોંચ્યા, અનેકે ત્યાં જ બદલવાનું શરૂ કર્યું
ઉપરોક્ત બન્ને તસવીરમાં જોવા મળી રહ્યું છે કે જે બૂલેટ ડિટેઈન થયું તેનું અસલ સાયલેન્સર સાથે લઈને તેના માલિકો ટોઈંગ સ્ટેશન પહોંચ્યા હતા. જોવા મળી રહ્યું છે કે અમુક સાયલેન્સર બોક્સ પેકિંગ મતલબ કે નવા છે. આવા અનેક બૂલેટ માલિકો એવા જોવા મળ્યા હતા જેમનું જૂનું સાયલેન્સર ખોવાઈ ગયું અથવા તો વેચાઈ ગયું હોવાથી નવું ખરીદવું પડ્યું હતું. જ્યારે અમુક બૂલેટમાલિકોને કારીગર નહીં મળતાં હાથે જ બદલવા લાગ્યા હતા.
આવી જ ઝુંબેશ ટ્રાફિકજામ વિરુદ્ધ કરાય તો રાજકોટનું `ભલું’ થશે…
ટ્રાફિક પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનારા બૂલેટચાલકો વિરુદ્ધ આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેને શહેરીજનો તરફથી ઉમદા આવકાર મળી રહ્યો છે. જો કે લોકો એમ પણ કહી રહ્યા છે કે આ જ પ્રકારની ઝુંબેશ ટ્રાફિકજામ વિરુદ્ધ કરવામાં આવે તો ખરેખર રાજકોટનું `ભલું’ થશે. આજે રાજકોટના અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામને કારણે લોકો રીતસરના `પીલાઈ’ રહ્યા છે પરંતુ પોલીસ એ દિશામાં ધ્યાન આપી રહી નથી. આમ થવાથી લોકોના માનસમાં પોલીસની એવી છાપ ઉપસ્થિત થઈ રહી છે કે પોલીસને માત્રને માત્ર દંડ વસૂલાત થાય તેમાં જ રસ છે…!!
