હવે લોકોને હવામાન અંગેની સચોટ જાણકારી મળી શકશે : જાણો સરકારે નિર્ણય લીધો
દેશમાં હવે બધા જ લોકોને હવામાનની પરફેક્ટ જાણકારી અને આફતની પહેલાથી જ જાણ કરવા માટે કેન્દ્ર સરકાર મહત્વના કામમાં આગળ વધી રહી છે. હવામાન પૂર્વાનુમાન સિસ્ટમને વધુ ઉપકારક અને મજબૂત બનાવવા તથા જળવાયુ પરિવર્તનનાં પ્રભાવ સામે લડવા માટે કેન્દ્રીય કેબિનેટે મોટો ફેસલો લીધો છે.
મિશન મોસમ હેઠળ કેબિનેટે આ કામ માટે રૂપિયા 2 હજાર કરોડના ખર્ચને મંજૂરી આપી હતી. આ મિશનનો હેતુ એ છે કે હવામાનને લગતી બધી જ પરફેક્ટ-સચોટ જાણકારી લોકોને મળે અને હવામાન સંબંધિત ઘટનાઓની જાણકારી પહેલા જ મળી જાય તો નુકસાની અને જાનહાનિથી બચી શકાય.
કોઈ પણ પ્રકારની કુદરતી આફતની જાણકારી અગાઉ મળી જાય અને તેનાથી નિપટવાના ઉપાય પણ જલ્દી કરી શકાય તે માટે મિશન મોસમ કેન્દ્ર સરકાર શરૂ કરશે અને તે લોકો માટે તથા સરકારો માટે પણ ઉપયોગી નીવડશે.
પ્રથમ બે વર્ષ માટે મિશન મોસમનો અમલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ 3 પ્રમુખ સંસ્થાઓ કરશે. આઈએમડી સહિતની આ 3 સંસ્થાઓ કામ કરશે અને રિપોર્ટ કરતાં રહેશે. મંત્રાલય દ્વારા સમયાંતરે એમની પાસેથી માહિતી મેળવાશે.
શું ફાયદા થશે ?
આ મિશન માટે એડવાંન્સ સેન્સરોનો ઉપયોગ કરવામાં આવશે અને નેક્સ્ટ જનરેશન રડાર તથા સેટેલાઈટ સિસ્ટમનો ઉપયોગ કરાશે. હાઇ કેપેસિટીના સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થશે. ખરા સમયે જ લોકોને હવામાન સાથે જોડાયેલી બધી માહિતી મળી જશે. અનેક સેક્ટરોને તેનો ફાયદો મળશે.