હવે પેપર લીક કર્યું તો એક કરોડનો દંડ, દસ વર્ષની સજા
‘ એન્ટી પેપર લીક ‘ એક્ટનો અમલ શરૂ: સરકારે મધરાત્રે જાહેરનામું બહાર પાડ્યું
NEET, NTA અને UGC-NET જેવી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સ્પર્શતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક મુદ્દે સરકારની આબરૂ ધુણધાણી થઈ ગયા બાદ અંતે દેશભરમાં લેવાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં થતી છેતરપિંડી અટકાવવા માટે સરકારે 21મી જૂન ની મધરાત્રિથી એન્ટી પેપર લીક એક્ટ એટલે કે જાહેર પરીક્ષાઓ ( અયોગ્ય માધ્યમોનું નિવારણ) અધિનિયમ 2024 નો અમલ ચાલુ કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ કાયદામાં પરીક્ષાઓમાં થતી છેતરપિંડી થી પેપર લીક સુધીના ગુનાઓ તેમજ તે સંદર્ભે સંગઠિત અપરાધ બદલ અત્યંત કડક સજાઓની જોગવાઈ કરવામાં આવી છે.
આ કાયદા હેઠળ પેપર લીક કરવા અથવા ઉતરવહી સાથે ચેડા કરવા બદલ પાંચથી દસ લાખ સુધીના દંડ તેમજ પાંચથી દસ વર્ષ સુધીની કેદીની સજા ફટકારવાની જોગવાઈ છે.
જો કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ જેમ કે પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા, સેવા પ્રદાતા કે અન્ય કોઈ સંસ્થા સામે હશે તો પાંચથી દસ વર્ષની કેદ અને એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે. આવી વ્યક્તિઓ તથા સંસ્થાઓની મિલકત પણ જપ્ત કરવામાં આવશે. આ કાયદા હેઠળના ગુનાને બિન જામીન લાયક ગુના માનવામાં આવ્યા છે. જો કોઈ પરીક્ષા કેન્દ્ર કોઈ પણ પ્રકારની ગેરરીતીમાં સંડોવાયેલું હશે તો તે કેન્દ્રને સરકારી પરીક્ષા લેવા માટે ચાર વર્ષ સુધી ગેરલાયક ઠેરવવામાં આવશે.
આ કાયદો છઠ્ઠી ફેબ્રુઆરીએ લોકસભામાં અને નવમી ફેબ્રુઆરીએ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો. 12 મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુએ એ બિલને મંજૂરી આપી હતી અને હવે સરકારે જાહેરનામું બહાર પાડતા આ કાયદો અમલમાં આવી ચૂક્યો છે.
આટલી પરીક્ષાઓનો આ કાયદા હેઠળ સમાવેશ
યુપીએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલ્વે અને બેન્કિંગ ભરતી પરીક્ષાઓ તથા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી તમામ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.
આટલા પ્રકારની ગેરિતિઓને અપરાધ માનવામાં આવશે
- પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવી તથા એ કૃત્યમાં કોઈની સાથે સામેલ થવું
- પરીક્ષા દરમિયાન કોઈની પાસે જવાબ લખવા માટે મદદ લેવી તેમજ પરીક્ષા આપી રહેલા ઉમેદવારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવી
અનુમતિ વિના પ્રશ્નપત્ર કે OMR શીટ પોતાની પાસે રાખવી તથા આન્સર શીટ કે OMR શીટ સાથે ચેડાં કરવા
- ઉમેદવાર ની બેઠક વ્યવસ્થા, પરીક્ષાની તારીખ કે શિફ્ટમાં ફેરફાર કરવા તથા એકઝામ કોમ્પ્યુટર સીસ્ટમ અને નેટવર્કમાં ચેડા કરવા
- પરીક્ષા કે એક્ઝામ ઓથોરિટી સંબંધિત નકલી વેબસાઈટ બનાવી, નકલી એડમિટ કાર્ડ જારી કરવા કે નકલી પરીક્ષા યોજવી.
