ખ્યાતી લેન્ડ સ્કેમ : IAS અને IPS અધિકારીઓ EDના રડારમાં
અધિકારીઓ ઉપરાંત અન્ય આગેવાનોએ ૫૦૦ થી ૧૦૦૦ ચો.મી.ના પ્લોટ ખરીદ્યા છે.
જમીનમાં રોકાણનો સ્ત્રોત જાહેર કરી શકે તેવી સ્થિતિમાં નથી
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કૌભાંડ કરીને વિવાદમાં આવનાર અમદાવાદની ખ્યાતી હોસ્પિટલના સંચાલકોનાં હાથ જમીન કૌભાડમાં પણ કાળા થયા છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની માલિકીની ખ્યાતી લેન્ડ અને ત્રણ સંલગ્ન કંપનીઓની વ્યાપક તપાસ શરૂ કરી છે અને આ તપાસ દરમિયાન એવું જાણવા મળ્યુ છે કે રાજ્યના IAS અને IPS અધિકારીઓ સહિત અનેક અગ્રણી લોકોએ ખ્યાતી લેન્ડ દ્વારા સાંતેજ અને ઓગણજમાં જમીનના પ્લોટ ખરીદ્યા હતા.
આ અધિકારીઓ કોણ છે તેનો ખુલાસો હજુ સુધી અધિકારીઓએ કર્યો નથી.
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, આ અધિકારીઓ, જેમણે 500 થી 1,000 ચોરસ યાર્ડની વચ્ચેના પ્લોટ મેળવ્યા હતા, તેઓને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સુત્રો અનુસાર, કેટલાક અધિકારીઓએ માત્ર સર્વે નંબરના દસ્તાવેજોના આધારે જ જમીન ખરીદી હતી અને હવે તેઓ તેમના રોકાણને રફેદફે કરવા માટે દોડધામ કરી રહ્યા છે.
મૂળ મુદ્દાની વાત એ છે કે, આ અધિકારીઓએ જે રોકાણ કર્યું છે તે નાણાનો સ્ત્રોત તેઓ જાહેર કરી શકે તેમ નથી અને આ કારણોસર ખ્યાતી લેન્ડ સંદર્ભે તેઓ કાનૂની કાર્યવાહી પણ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
ED ખ્યાતી હોસ્પિટલના ઓડિટ અહેવાલોની તપાસ કરી રહી છે અને કાર્તિક પટેલના નિવાસસ્થાનમાંથી મળી આવેલા જમીન વેચાણ દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
અધિકારીઓ ૨૦૨૧ અને ૨૦૨૨ની વચ્ચે ખ્યાતી હોસ્પિટલમાં થયેલી ૮ હજાર જેટલી સર્જરીમાંથી જે આવક થઇ છે તેની પણ તપાસ કરી રહ્યા છે. અધિકારીઓને એવી શંકા છે કે PMJAY યોજના અને રીયલ એસ્ટેટમાંથી જે આવક થઇ છે તે વિદેશમાં મોકલી દેવામાં આવી છે.
એક અધિકારીએ કહ્યું હતું કે, અમે ખ્યાતી લેન્ડ મારફત જમીન ખરીદનારા અધિકારીઓ જ નહી પણ અન્ય સેલીબ્રીટીની પણ પૂછપરછ કરશુ. વધુમાં, અમે મની લોન્ડરિંગ કેસમાં પુરાવા એકત્ર કરવા માટે ખ્યાતી લેન્ડ સાથે સંકળાયેલા બેંક ખાતાઓની તપાસ કરી રહ્યા છીએ.