રાજ્યસભામાં નો-રિપીટ થીયરી : લોકસભા માટે પણ એ જ પોલિસી
વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પછી હવે શાસક પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
જે.પી. નડા, ગોવિંદભાઈ ધોળકિયા, ડો. જસવંતસિંહ પરમાર અને મયંક નાયકને ઉમેદવાર બનાવાયા
કોંગ્રેસ ઉમેદવાર ઉભા નથી રાખવાની એટલે ચારેય થશે બિનહરીફ
માંડવિયા અને રૂપાલાને ટીકીટ ન મળી : હવે લોકસભા લડાવાશે અથવા સંગઠનની જવાબદારી
રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો ઉપર નો રિપીટ થીયરી અપનાવીને ભાજપ હાઇકમાન્ડે ઘણાને આગોતરા સંકેત આપી દીધા છે. રાજ્યસભામાંથી હમણાં જ નિવૃત થયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાને રિપીટ નથી કરવામાં આવ્યા અને ગુજરાતની ચાર બેઠકો માટે જે.પી. નડા, ગોવિંદભાઈ ધોળકિયા, ડો. જસવંતસિંહ પરમાર અને મયંક નાયકને ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાતમાં સંખ્યાબળ ભાજપ પાસે પુરતું છે અને તેથી આ ચારેય બિનહરીફ થશે. આમ પણ કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખવાની નથી.
આજે જે રીતે નામની જાહેરાત થઇ તે જોતા એ તો સ્પષ્ટ થઇ ગયું છે કે મનસુખ માંડવિયા અને રૂપાલાને કાં તો ભાવનગર અને અમરેલીની લોકસભાની ટીકીટ આપવામાં આવશે અથવા સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવશે. જો કે, અંતરંગ સુત્રો એવું પણ કહી રહ્યા છે કે, આ બેમાંથી કોઈ એક ને સૌરાષ્ટ્રની અન્ય કોઈ બેઠક ઉપર લડવાનો આદેશ પાર્ટી આપી શકે છે.
પક્ષના સુત્રોના જણાવ્યા અનુસાર, વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ નો રિપીટ થીયરી અપનાવી હતી અને એ જ નીતિ લોકસભાની ચૂંટણીમાં અપનાવશે તેવા સંકેત મળી રહ્યા છે. પક્ષે જે રીતે રાજ્યસભાના નામ જાહેર કર્યા છે તેનાથી આ ધારણાને બળ મળે છે. હાલમાં તમામ ૨૬ સાંસદો ભાજપના છે અને અમિત શાહ અને સી.આર.પાટિલ જેવા અપવાદને બાદ કરતા મોટાભાગના ઉમેદવારોને બદલાવી નાખવામાં આવશે તેવું લાગી રહ્યુ છે.
જો કે આ બધું જો અને તો છે.. પણ હાલમાં તો પાર્ટી હાઇકમાન્ડે ગુજરાતના રાજ્યસભાના ચાર નામ જાહેર કરીને આશ્ચર્ય જરૂર સર્જ્યું છે.
પક્ષ પ્રમુખ જગત પ્રકાશ નડાને ગુજરાતની ટીકીટ આપીને અહીની તમામ બેઠક જીતવાની હેટ્રિક પાક્કી કરી છે. તો બીજી બાજુ ગોવિંદભાઈ ધોળકિયા જેવા સ્વચ્છ પ્રતિભા ધરાવનારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિ અને લેઉવા પટેલ સમાજના અગ્રણીને ટીકીટ આપીને એક સારું દ્રષ્ટાંત આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની છે અને સુરતમાં હીરાનો કારોબાર ધરાવે છે. ગોવિંદભાઈએ તાજેતરમાં જ અયોધ્યાના રામ મંદિર માટે ૧૧ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.
પક્ષે ગોધરાના વતની અને ભાગ્યોદય સર્જીકલ હોસ્પિટલ ધરાવતા ડો. જસવંતસિંહ સલામસિંહ પરમારને પસંદ કરીને પણ આશ્ચર્ય સર્જ્યું છે. તેઓ ૨૦૧૭માં ગોધરામાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને ૧૮૮૫૬ મત મેળવી ત્રીજા નંબરે રહ્યા હતા. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ગોધરા અને શહેરા તાલુકાના પ્રચારની જવાબદારી સંભાળી હતી.
આ સિવાય બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ હાઇકમાન્ડે પસંદ કરી ને મોટું આશ્ચર્ય સર્જ્યું છે. મહેસાણા ભાજપનો ચહેરો ગણાતા મયંક નાયક મારી માટી મારો દેશ અભિયાનના ઇન્ચાર્જ હતા અને પ્રદેશ સ્તર સુધીની જવાબદારી સંભાળી છે.
આ ચારેય હવે ઉમેદવારી પત્રો ભરશે અને નિર્ધારિત તારીખે બિનહરીફ જાહેર થશે.
ભાજપમાં આવેલા અશોક ચવ્હાણને ટીકીટ : મહારાષ્ટ્ર, ઓરિસ્સા, મધ્યપ્રદેશના નામ જાહેર
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે. ભાજપે તેમને મહારાષ્ટ્રમાંથી જ સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર ક્વોટામાંથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને અજીત ગોપચાડે ઉમેદવાર બનાવ્યા છે. ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપે ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે માયા નરોલિયા અને એલ મુરુગનને એમપીમાંથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજ નામના બે અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.