એક પણ ધર્મ પ્રદૂષણ ફેલાવવાનું નથી કહેતો : સર્વોચ્ચ અદાલત
દિલ્હીમાં કાયમી ધોરણે ફટાકડા પર પ્રતિબંધ લાદવા અંગે નિર્ણય કરવા તાકીદ કરી
રાજધાની દિલ્હીમાં એક તરફ વાયુ પ્રદૂષણ ખતરાની સપાટી વળોટી ગયું છે અને દિવાળી પૂરી થઈ હોવા છતાં ફટાકડા ફૂટી રહ્યા છે ત્યારે સર્વોચ્ય અદાલતે દિલ્હી પોલીસ અને સરકારને તાત્કાલિક કડક પગલાં ભરી ફટાકડાનું વેચાણ અને ફટાકડા ફોડવાની પ્રવૃત્તિ બંધ કરાવવા આદેશ આપ્યો હતો.
દિલ્હીમાં દિવાળી પહેલા જ ફટાકડા પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનું વેચાણ સરેઆમ ચાલુ રહ્યું હતું.ધૂમ ફટાકડા ફૂટ્યા હતા.એ અંગેના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અભય એસ.ઓકા અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહ ની ખંડપીઠે પ્રતિબંધનો અમલ ન કરાવવા બદલ દિલ્હી પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું કે આ રીતે અને આ માત્રામાં ફટાકડા ફૂટવાથી થતા વાયુ પ્રદુષણની લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડે છે અને તે લોકોના તંદુરસ્ત રહેવાના મૂળભૂત અધિકારના ઉલ્લંઘન સમાન છે.
અદાલતે કહ્યું કે એક પણ ધર્મ પ્રદુષણ ફેલાવવાને પ્રોત્સાહન નથી આપતો. અદાલતે દિલ્હીમાં કાયમી ધોરણે ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવા માટે વિચારણા કરી 25 નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા દિલ્હી સરકારને આદેશ કર્યો હતો. દિવાળી પહેલા જ પ્રતિબંધ મૂકવા છતાં આટલી સંખ્યામાં ફટાકડા ફૂટવા અંગે દિલ્હી પોલીસે રજૂ કરેલ એફિડેવિટની પણ અદાલતે ઝાટકણી કાઢી હતી. ટાકડાનું વેચાણ બંધ કરવા અંગે વેપારીઓ અને સ્ટોકીસ્ટોને સમયસર જાણ ન કરવા બદલ અદાલતે દિલ્હી પોલીસને ઠપકો આપ્યો હતો અને હવે સત્વરે આ પ્રતિબંધ અંગેની વેપારીઓને જાણ કરવા તાકીદ કરી હતી.