“મહિલાઓને કોઈ નોકરી પર રાખશે નહીં…” માસિક ધર્મની રજા ફરજિયાત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-કરિયર પર અસર પડશે
મહિલાઓ માટે માસિક ધર્મ દરમિયાન ફરજિયાત રજાની વ્યવસ્થા કાયદા દ્વારા લાદવામાં આવે તો તેનો મહિલાઓના રોજગાર પર ઉલ્ટો પ્રભાવ પડી શકે છે, એવી મહત્વપૂર્ણ ટિપ્પણી સુપ્રીમ કોર્ટએ કરી છે. અદાલતે કહ્યું કે આવી ફરજિયાત વ્યવસ્થા કરાશે તો ઘણી કંપનીઓ મહિલાઓને નોકરી આપવાનું જ ટાળી શકે છે.
માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થીનીઓ અને નોકરિયાત મહિલાઓને રજા આપવાની ફરજિયાત વ્યવસ્થા કરવાની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટએ આ અવલોકન વ્યક્ત કર્યું.અરજદાર વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ અદાલતમાં અરજી કરી હતી કે રાજ્ય સરકારોને માર્ગદર્શન આપી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ દરમિયાન રજા આપવાના નિયમો બનાવવાનું કહેવું જોઈએ.
આ અરજીની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ સુર્ય કાંતની આગેવાનીવાળી પીઠે કહ્યું કે મહિલાઓ માટે ફરજિયાત માસિક રજાનો કાયદો બનાવવાથી અનિચ્છનીય પરિણામો પણ આવી શકે છે.મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે નોકરીદાતાઓની માનસિકતા ઘણીવાર અલગ હોય છે અને જો આવા પ્રકારનો કાયદો ફરજિયાત બનાવવામાં આવે તો તેઓ મહિલાઓને નોકરી આપતા પહેલા વિચારશે.
આ પણ વાંચો:ઈરાન ગમે તે ઘડીએ કરશે સરેન્ડર: G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, જો કે ઈરાન તો યુદ્ધ વધુ તીવ્ર કરવાના મૂડમાં
તેમણે કહ્યું કે જાગૃતિ અને સંવેદનશીલતા વધારવી એક બાબત છે, પરંતુ કાયદા દ્વારા ફરજિયાત રજા લાદવામાં આવશે તો “કોઈ પણ મહિલાઓને નોકરી આપવા તૈયાર નહીં થાય.”અદાલતે એ પણ જણાવ્યું કે આવી વ્યવસ્થા ક્યારેક નોકરિયાત મહિલાઓમાં માનસિક ભય ઉભો કરી શકે છે કે તેઓ પુરુષોની સરખામણીએ ઓછા સમર્થ ગણાય છે.
આર્ટિકલ 21 હેઠળ સરકારની ફરજો
સુપ્રીમ કોર્ટની પીઠે જણાવ્યું કે બંધારણના આર્ટિકલ 21 હેઠળ સરકારો પર મહિલાઓ અને કિશોરીઓના આરોગ્યના હક્કનું રક્ષણ કરવાની સકારાત્મક ફરજ છે. તે મુજબ અદાલતે સરકારોને શાળાઓ અને જાહેર સ્થળોએ મફત સેનિટરી નેપકિન ઉપલબ્ધ કરાવવાની તથા મહિલા અને પુરુષ માટે અલગ અને કાર્યરત શૌચાલયોની સુવિધા આપવાની સૂચના આપી હતી. એ ઉપરાંત માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન ચલાવવા તેમ જ કિશોરીઓ અને મહિલાઓના આરોગ્ય અંગે સંવેદનશીલતા વધારવાના સૂચનો કર્યા હતા.
સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણીઓ
- ફરજિયાત માસિક રજા કાયદો બનાવવાથી મહિલાઓના રોજગાર પર વિપરિત અસર થઈ શકે
- નોકરીદાતાઓ આવી સ્થિતિમાં મહિલાઓને નોકરી આપવાનું ટાળી શકે છે
- જાગૃતિ અને સંવેદનશીલતા વધારવી જરૂરી, પરંતુ કાયદાકીય ફરજ અલગ બાબત
- આવી વ્યવસ્થા મહિલાઓ “પુરુષોથી ઊતરતી ” હોવાનો ભ્રમ પણ ઉભો કરી શકે
