લો બોલો ! રાજકોટ મહાપાલિકામાં ‘મહાનુભાવો’ને જમાડવા કોઈ તૈયાર થતું નથી
- મનપા દ્વારા યોજાતા કાર્યક્રમો, વીવીઆઈપીઓની મુલાકાત, મિટિંગ સહિતના કાર્યક્રમમાં નાસ્તા-ભોજનની વ્યવસ્થા માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા ફરી ટેન્ડર કરાયું
- પ્રથમ વખતના પ્રયાસમાં ત્રણ એજન્સીએ ભાગ લીધો પણ તંત્રના `ચોગઠાં’માં ફિટ ન બેસતાં હોય કોન્ટ્રાક્ટ ન અપાયો
મહાપાલિકા દ્વારા આખા વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે અલગ-અલગ મિટિંગ ઉપરાંત વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના વીવીઆઈપીઓની મુલાકાત સહિતના કાર્યક્રમો યોજાતાં હોય તેમાં નાસ્તો-ભોજન પીરસવા માટે પહેલી વખત ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવાયા બાદ ફેબ્રુઆરીમાં તેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રસિદ્ધ થયા બાદ ત્રણ એજન્સીએ ભાગ પણ લીધો હતો પરંતુ તે તંત્રના `ચોગઠાં’માં ફિટ ન બેસતાં રિ-ટેન્ડર કરવામાં આવ્યું છે.
એકંદરે મહાપાલિકાના દરેક કાર્યક્રમમાં ટેન્ડરમાં નક્કી કરાયા પ્રમાણે જ નાસ્તો, ભોજન સહિતનું મેનું નક્કી કરી લેવામાં આવ્યું છે. ભોજનમાં ફુલ ગુજરાતી થાળી જેમાં રોટલી, પૂરી-પરોઠા, દાળભાત, બે શાક, છાશ-પાપડ, સલાડ, મિઠાઈ ફરસાણ સહિતની વાનગીઓ સામેલ કરવામાં આવી છે તો પંજાબી થાળીમાં બે સબ્જી, પરોઠા-કુલ્ચા, જીરા રાઈસ, દાલફ્રાટ, છાશ, પાપડ, સલાડ, બે મિઠાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાઉથ ઈન્ડિયન મેનુમાં ઈડલી-સંભાર, મેંદુવડા-સંભાર, ઢોસા-સંભાર, ઉપમા, નાસ્તામાં ચાર ડ્રાયફ્રુટસ, બે પ્રકારના બિસ્કિટ, બે ક્રારના ફ્રૂટ જ્યુસ, હિમાલય પેક્ડ ડ્રિકિંગ વોટર સહિતનું નક્કી કરવામાં આવ્યું છે.
આ મેનું ત્રણ વર્ષ માટે ફિક્સ કરવામાં આવ્યું છે મતલબ કે ત્રણ વર્ષ સુધી મહાપાલિકા દ્વારા જે પણ કાર્યક્રમ યોજાશે તેમાં નક્કી કરાયેલા મેનુ પ્રમાણે જ વાનગી પીરસવાની રહેશે. આ ટેન્ડરની પ્રારંભિક રકમ પાંચ લાખ નિર્ધારિત કરવામાં આવી છે. ટેન્ડર પ્રસિદ્ધ થયા બાદ રાજકોટની બે અને મોરબીની એક એજન્સીએ રસ દાખવ્યો હતો પરંતુ તે શરતો પ્રમાણે માન્ય ન ઠરતાં ફરીથી ટેન્ડર કરવામાં આવ્યું છે જેમાં કોઈ એજન્સી માન્ય ઠરશે તો તેને ત્રણ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.
