અમેરિકા માટેના વિઝિટર વિઝાની હવે રાહ જોવી નહીં પડે, જાણો કારણ
દિલ્હીમાં હવે માત્ર ૩૭ દિવસનું વેઈટિંગ, મુંબઈ કોન્સ્યુલેટમાં B1 અને B2 વિઝાનું વેઈટિંગ ૫૯૬થી ઘટીને સીધું ૩૨૨ દિવસ થયું
ટુરિસ્ટ કે પછી બિઝનેસ વિઝા પર અમેરિકા જવા માગતા ભારતીયો માટે ઘણા લાંબા સમય બાદ આખરે મોટી રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકન એમ્બસીએ અઢી લાખ વિઝા ઈન્ટરવ્યુનો નવો સ્લોટ ખોલતા B1 અને B2 કેટેગરીના વિઝા ઈન્ટરવ્યુ માટે જે લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું હતું તેમાં ધરખમ ઘટાડો થયો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ૦૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ જેમાં ઈન્ટરવ્યુ જરૂરી છે તેવા ટુરિસ્ટ વિઝા માટે દિલ્હીમાં માત્ર ૩૭ દિવસનું વેઈટિંગ છે જ્યારે મુંબઈમાં વેઈટિંગ પિરિયડ ઘટીને હાલ 322 દિવસનો થઈ ગયો છે. હજુ ગયા સપ્તાહે જ આ વેઈટિંગ પિરિયડ ૫૪૨ દિવસ એટલે કે લગભગ દોઢ વર્ષનો હતો. દિલ્હીમાં ચાલતા વિઝા સેન્ટરમાં વેઈટિંગ સૌથી વધુ ઘટ્યું છે તો બીજી તરફ અન્ય કોન્સ્યુલેટ્સના વેઈટિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સની વેબસાઈટ અનુસાર, B1/B2 વિઝા માટે ૦૧ નવેમ્બરના રોજ કોલકાતામાં ૧૨૬ દિવસનું વેઈટિંગ છે જે પહેલા ૫૩૯ દિવસનું હતું. જ્યારે મુંબઈનું વેઈટિંગ ૫૯૬ દિવસથી ઘટીને ૩૨૨ દિવસ થઈ ગયું છે અને ચેન્નઈ ૫૨૬ દિવસમાંથી ઘટીને ૩૪૧ દિવસ અને હૈદરાબાદનું વેઈટિંગ ૫૧૧ દિવસમાંથી સામાન્ય ઘટીને ૫૦૬ દિવસનું થયું છે. અમેરિકન એમ્બસીએ બુધવારે આ અંગે એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે ગત વીકેન્ડમાં તેણે અઢી લાખ નવી અપોઈન્ટમેન્ટ્સ ઓપન કરી છે.
કોરોના બાદ સ્થિતિ સામાન્ય થયા પછી અમેરિકન એમ્બસી તેમજ કોન્સ્યુલેટ્સે પોતાનું કામકાજ શરૂ કર્યું તે વખતે ભારતમાં B1/B2 વિઝાનો વેઈટિંગ પિરિયડ ત્રણ વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો અને એક સમયે તો તેના માટે ત્રણ વર્ષનું વેઈટિંગ ચાલી રહ્યું હતું. જોકે, ત્યારબાદ અમેરિકન એમ્બસીએ અનેક પગલાં લઈ વેઈટિંગ પિરિયડ ઘટાડવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં કોઈ ખાસ ફરક નહોતો પડી શક્યો. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે પણ આ મુદ્દે અમેરિકા સાથે અનેકવાર વાતચીત કરી હતી.
લાંબા સમય બાદ હવે સ્થિતિ ફરી સામાન્ય થઈ રહી છે અને વિઝા ઈન્ટરવ્યુનો વેઈટિંગ પિરિયડ ઘટી રહ્યો છે ત્યારે ટ્રાવેલ એજન્ટ્સ આશા રાખી રહ્યા છે કે આ સ્થિતિ આગામી સમયમાં પણ યથાવત રહે. ચાલુ વર્ષે પણ ઉનાળા દરમિયાન એર ટિકિટના ભાવ આસમાને હોવા છતાંય પાંચ લાખ ભારતીયો અમેરિકાના પ્રવાસે ગયા હતા.
