જનરલ બોર્ડ નહીં જનરલ ફારસ…! વરસાદમાં રાજકોટ જળમગ્ન ન થાય તે માટે શું કરી શકાય તેની ચર્ચામાં કોઈને રસ જ નહીં
રાજકોટ મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડ મતલબ કે સામાન્ય સભા મળે છે. બોર્ડની આ કાર્યવાહીમાં શહેરીજનોની સુખાકારી માટે શું કરી શકાય, વિકાસ કેવી રીતે કરી શકાય તેની ચર્ચા કરવા માટે એક કલાકનો સમય મળતો હોય છે પરંતુ ભાજપનું સંખ્યાબળ 66 થયું છે ત્યારથી લઈ આજ સુધી જનરલ બોર્ડ જાણે કે જનરલ ફારસ બની ગયું હોય તેવી રીતે લોકોને સીધી રીતે સ્પર્શે તેવા એક પણ પ્રશ્નની ચર્ચા કરવાની જગ્યાએ માત્રને માત્ર આંકડાની માયાજાળ રચી એક કલાક વેડફી નાખવામાં આવી રહી છે.
ચોમાસું નજીક આવી ગયું છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ જળમગ્ન ન થાય તે માટે અધિકારીઓ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી તેની ચર્ચા કરવાની જગ્યાએ ભાજપને જાણે કે સરકારે કેટલી ગ્રાન્ટ ફાળવી અને તે ગ્રાન્ટ ક્યાં વપરાઈ તેનો જવાબ સાંભળવામાં જ રસ હોય તેવી રીતે એક કલાક સુધી એક જ પ્રશ્ન પર ચર્ચા કરી બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
કોંગ્રેસ દ્વારા TRP ગેઈમ ઝોન અગ્નિકાંડના પીડિતો માટે ન્યાય આપવા, પ્રિ-મોન્સુન કામગીરીનું પ્લાનિંગ માંગવામાં આવ્યું હતું પરંતુ તેનું દર વખતની જેમ કશું જ ઉપજ્યું ન્હોતું અને આખરે મેયર ચેમ્બરમાં જઈને હાથ જોડીને પોતાની રજૂઆત કરવી પડી હતી ! આ એક જ બોર્ડ નહીં બલ્કે એક વર્ષ દરમિયાન થયેલી જનરલ બોર્ડની કાર્યવાહી પર નજર કરવામાં આવે તો શાસકોને માત્રને માત્ર આંકડાકીય વાત સિવાય લોકોને નડતાં પ્રશ્નોની ચર્ચા કરવામાં બિલકુલ રસ ન રહ્યો હોય તેવું લાગ્યા વગર રહેતું નથી.
આજના બોર્ડની કાર્યવાહીમાં મહિલા કોર્પોરેટર રસિલાબેન સાકરિયા દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ મળી તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા દ્વારા એક કલાક સુધી આપી બોર્ડ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. શા માટે મ્યુનિ.કમિશનર અને શાસકો મળીને એવી વ્યવસ્થા ગોઠવી નથી શકતા કે દરેક પ્રશ્નના અતથી ઈતિ જવાબ આપવાની જગ્યાએ બને એટલી ઝડપથી પ્રશ્નનો ટૂંકો પરંતુ દળદાર જવાબ આપી શકાય.
મ્યુનિ.કમિશનર તો ભાજપના માણસ છેઃ સાગઠિયા
વિપક્ષ નેતા વશરામ સાગઠિયા દ્વારા મ્યુ.કમિશનર ભાજપના નગરસેવકના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા ત્યારે વચ્ચે ઉભા થઈને TRP અગ્નિકાંડ તેમજ પ્રિ-મોન્સુન કામગીરી અંગે ચર્ચા કરવાની માંગ કરાતાં મેયર દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. મેયરે કહ્યું હતું કે મ્યુ.કમિશનર દ્વારા દરેક સવાલના જવાબ આપવામાં આવશે ત્યારે સાગઠિયાએ રોકડું પરખાવ્યું હતું કે તેઓ એટલે કે મ્યુનિસિપલ કમિશનર તો ભાજપના માણસ છે, તેમની પાસે અમને સાંભળવાનો સમય જ ક્યાં છે ?
સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ભાજપના 12 કોર્પોરેટર રજા પર
જનરલ બોર્ડની કાર્યવાહી વખતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિત ભાજપના 12 કોર્પોરેટરે રજા રિપોર્ટ મુક્યો હતો. જ્યારે વોર્ડ નં.12ના કોર્પોરેટર અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગેરહાજર રહ્યા હતા. એકંદરે આજના બોર્ડની કાર્યવાહીમાં ભાજપના 53 નગરસેવકો-નગરસેવિકાઓ હાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસ વતી ભાનુબેન સોરાણીએ રજા રિપોર્ટ મુક્યો હતો.
કોંગ્રેસના વિરોધ વચ્ચે ટીપી સ્કીમની સાત દરખાસ્તને બહાલી
જનરલ બોર્ડમાં ઘંટેશ્વર, મોટા મવા સહિતના વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવા સહિતની 11 દરખાસ્તો એજન્ડામાં સામેલ હતી. જો કે ટીપી સ્કીમ કઈ છે તેમાં શું શું કરવાનું છે, લોકો સમક્ષ તેની જાહેરાત કરવા અને બોર્ડમાં વંચાણ કરવા સહિતની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસ ના ત્રણ વિરુદ્ધ ભાજપના 54 કોર્પોરેટરો તરફેણમાં હોય બહુમતિથી તમામ દરખાસ્ત મંજૂર કરાઈ હતી.