કોઈ બાકાત નહીં, બધા દેશો પર લાગુ પડશે રેસીપ્રોકલ ટેરીફ : ડોનાલ્ડ ટ્રમ્પ
વ્હાઈટ હાઉસે સોમવારે વધુ એક વખત સ્પષ્ટતા કરી હતી કે 2 એપ્રિલથી અમલમાં આવનાર રેસિપ્રોકલ ટેરિફ બધા દેશોને લાગુ પડશે. કોઈને પણ બાકાત રાખવામાં નહીં આવે.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પારસ્પરિક શુલ્ક અંગે, તેઓ મંગળવારે સાંજે અથવા બુધવારે જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત તમામ વેપારી ભાગીદારો પ્રત્યે “ખૂબ જ દયાળુ” છતાં સખત અભિગમ અપનાવવાનો નિર્ધાર દોહરાવ્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની “મુક્તિ દિવસ ટેરિફ” યોજનાઓ પરના સસ્પેન્સ વચ્ચે, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લીવિટે સોમવારે પુષ્ટિ કરી હતી કે પરસ્પર ટેરિફ પર કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.અમેરિકી ઉત્પાદનો પર વિદેશી રાષ્ટ્રો દ્વારા લાદવામાં આવેલા ટેરિફની યાદી આપતાં શ્રીમતી લીવિટે કહ્યું કે “અન્યાયી વેપાર પદ્ધતિઓ” બંધ થવી જોઈએ.તેમણે કહ્યું,”બુધવારનો ધ્યેય દેશ આધારિત ટેરિફ છે, પરંતુ ચોક્કસપણે ક્ષેત્રીય ટેરિફ પણ છે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ તેને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છે, અને આ પરસ્પરતાનો સમય છે.”
યુરોપિયન યુનિયન, ભારત, જાપાન અને કેનેડાની મોટા ટેરિફની યાદી ધરાવતો કાગળ પકડીને, વ્હાઇટ હાઉસ પ્રેસ પ્રવક્તાએ કહ્યું, ” યુરોપિયન યુનિયન તરફથી અમેરિકી ડેરી પર 50 ટકા, જાપાન તરફથી અમેરિકી ચોખા પર 700 ટકા ટેરિફ છે. ભારત તરફથી અમેરિકી કૃષિ ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ છે. કેનેડા તરફથી અમેરિકી માખણ અને અમેરિકી ચીઝ પર લગભગ 300 ટકા ટેરિફ છે. આનાથી અમેરિકી ઉત્પાદનોને આ બજારોમાં આયાત કરવું વર્ચ્યુઅલી અશક્ય બની જાય છે, અને તે ઘણા દાયકાઓથી ઘણા અમેરિકનોને વ્યવસાય અને નોકરીથી બહાર કરી દે છે.”
ભારતને રાહત મળશે ?
બે એપ્રિલથી રેસીપ્રોકલ ટેરિફનો અમલ કરવા માટે ટ્રમ્પ મક્કમ છે ત્યારે ભારતને તેમાં રાહત મળશે કે કેમ તે તરફ સૌની મીટ મંડાઇ છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પે ભલે એક પણ દેશ બાકાત નહીં રહે એવી જાહેરાત કરી હોય પરંતું ટેરિફ અમલમાં આવે એ પહેલા જ ભારતે લીધેલા સકારાત્મક પગલાંઓને કારણે ભારતને કંઈક અંશે રાહત મળી શકે છે તેવી ધારણા છે.
નોંધનીય છે કે અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ મંડળની
માર્ચ મહિનામાં ભારતની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપાર સમજૂતી અંગે હકારાત્મક વિકાસ થઈ રહ્યો હોવાના સંકેતો પ્રાપ્ત થયા હતા. સ્વયં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટેરિફ બાબતે બધું સારું થઈ જશે એવી આશા દર્શાવી હતી. ભારતે કેટલાક અમેરિકી ઉત્પાદનો ઉપર ટેક્સ ઘટાડી અને સમાધાનકારી વલણ દાખવ્યું હતું. સાથે જ અમેરિકાની વેપાર ખાધ અડધો અડધ ઘટાડવા માટેના પગલા માટે પણ તૈયારી દાખવી હતી. આ સંજોગોમાં બીજી એપ્રિલના ટ્રમ્પના ‘ મુક્તિ દિવસ ‘ પ્લાનની ભારત ઉપર કેવી અસર થશે તે નિહાળવાનું રસપ્રદ બની રહેશે.