સ્ટિંગ ઓપરેશન કરવા પર કોઈ કેસ ચાલી શકે નહીં, કોણે આપ્યો ફેસલો ? જુઓ
કેરળ હાઇકોર્ટે સ્ટિંગ ઓપરેશન કરનારા ટીવીના 2 પત્રકારોને રાહત આપી હતી. એમની સામે દાખલ કરવામાં આવેલ ક્રિમિનલ કેસ પણ રદ કરી દીધો હતો. આ સાથે જ કોર્ટે એમ ઠરાવ્યું હતું કે સ્ટિંગ ઓપરેશન કરવા બદલ મીડિયા સામે કેસ ચલાવી શકાય નહીં.
અદાલતે કહ્યું હતું કે સ્વસ્થ લોકતંત્રમાં લોકશાહીના ચોથા સ્તંભની ભૂમિકા જરૂરી છે. અમે એમના પર આવી રીતે કેસ ચલાવી શકીએ નહીં. આ કેસ સનસનાટીજનક સૌર ગોટાળાને લગતો છે જેમાં પત્રકારોએ સ્ટિંગ ઓપરેશન કરીને મહત્વની વિગતો ખુલ્લી કરી હતી.
અદાલતે એમ પણ ઠરાવ્યું કે સરકારના કામકાજનું રિપોર્ટિંગ કરવા અને તેનું સ્ટિંગ ઓપરેશન કરવા એ બધુ મીડિયાના કામનો એક ભાગ છે. જનતા સુધી સાચી માહિતી પહોંચાડવી મીડિયાનું કર્તવ્ય છે અને ઇમાનદારીથી આ કામ પૂરું કરવાનું હોય છે. આ કામમાં કોઈ અવરોધ પેદા કરવા જોઈએ નહીં.
મીડિયાના કવરેજ સુનિશ્ચિત કરે છે કે સત્તાનો દુરુપયોગ ના થાય અને નાગરિકોને લોકતાંત્રિક પ્રક્રિયાઓની જાણકારી મળતી રહે. ચોથી જાગીર આ માટે સિધ્ધાંતોનું પાલન કરે છે કે નહીં તે આખી અલગ બાબત છે. ન્યૂઝ ચેનલના બંને પત્રકારોએ ક્રિમિનલ કેસ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને તેના પર સુનાવણી કરીને અદાલતે એમની સામેનો કેસ રદ કરી દીધો હતો.