આસામના લોકપ્રિય કલાકારના કેસમાં નવો વળાંક! ઝુબિન ગર્ગના મૃત્યુમાં કાંઈ જ શંકાસ્પદ નથી: સિંગાપુર પોલીસ
આસામના જાણીતા ગાયક અને સંગીતકાર ઝુબીન ગાર્ગના અચાનક મૃત્યુની તપાસમાં હજુ સુધી કાંઈ શંકાસ્પદ ન મળ્યું હોવાનું સિંગાપર પોલીસે જણાવ્યું છે. 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સિંગાપુરમાં યોટ પરિવહન દરમિયાન બનેલી આ ઘટનાના લગભગ એક મહિના પછી સિંગાપુર પોલીસે નિવેદન જારી કરીને જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં કોઈ ષડયંત્ર કે ગુનોના પુરાવા મળ્યા નથી. તપાસ સિંગાપુરના કોરોનર્સ એક્ટ અનુસાર ચાલી રહી છે અને તેમાં ત્રણ મહિના સુધી લાગી શકે છે. આ અંતિમ તપાસ અહેવાલ સિંગાપુરના સ્ટેટ કોરોનરને સોંપવામાં આવશે, જે ત્યારબાદ જરૂરી હોય તો વધુ તપાસનો આદેશ આપી શકે છે. તપાસ પૂરી થયા પછી તેના તારણો જાહેર કરવામાં આવશે. 52 વર્ષીય ઝુબીન ગાર્ગ, જેને ‘યા અલી’ જેવા હિટ ગીતો માટે ઓળખવામાં આવે છે, તેઓ સિંગાપુરમાં નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં પ્રદર્શન કરવા માટે ગયા હતા. તેમનું મૃત્યુ યોટ પરની મુસાફરી દરમિયાન થયું હતું
સિંગાપુર પોલીસના નિવેદનમાં જણાવ્યું કે આ કેસમાં તપાસને વ્યાવસાયિક અને પૂર્ણ રીતે આગળ વધારવા માટે સમય જરૂરી છે. તેમણે અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી હતી.
નોંધનીય છે કે ઝુબીન ગાર્ગના મૃત્યુથી સમગ્ર આસામ શોકમાં ગરકાવ બની ગયું છે. તેઓ આસામી સંગીત અને સંસ્કૃતિના પ્રતીક તરીકે ઓળખાતા હતા. તેમના મૃત્યુ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્મા સુધીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી સર્માએ તેમને ‘આસામી સંસ્કૃતિના કોહિનૂર’ તરીકે યાદ કર્યા હતા.
આ પણ વાંચો : આને કહેવાય પાક્કા ગુજરાતી : ભેગા મળીને 186 લક્ઝરી કાર ખરીદી અને 21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યુ, વાંચો મજેદાર સ્ટોરી
આસામ માટે સંવેદનશીલ મુદ્દો
ઝુબીનના મૃત્યુ બાદ આસામમાં રાજકારણ ગરમાયું હતું. કેટલાક આરોપીઓને કોંગ્રેસ સાથે સંબંધ હોવાનો આસામના મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો. દરમિયાન સિંગાપુર પોલીસે જણાવ્યું છે કે ડૂબી જવાથી મૃત્યુ થયું છે અને તેમાં કોઈ બાહ્ય હસ્તક્ષેપના પુરાવા મળ્યા નથી. જોકે, આસામમાં આ મુદ્દા પર વિરોધ અને આરોપો ચાલુ છે. આસામ સરકારે 10 સભ્યોની વિશેષ તપાસ ટુકડી (SIT) રચી છે, જે 21 ઓક્ટોબરે સિંગાપુર પોલીસ સાથે મુલાકાત કરશે. આ તપાસમાં બંને દેશો વચ્ચે મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્સ ટ્રીટી (MLAT) હેઠળ સહયોગ કરવામાં આવશે. સિંગાપુર પોલીસે ઝુબીનના પોસ્ટમોર્ટમ રિપોર્ટને ભારતીય અધિકારીઓને સોંપ્યો છે. આસામમાં આ મુદ્દા પર ભડકેલા ચાહકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બાક્સા જિલ્લામાં પાંચ આરોપીઓને જેલમાં લઈ જવા વખતે પોલીસ વાહનો પર પથ્થરબાજી અને આગજની થઈ હતી, જેમાં 10થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દિવાળીના તહેવારમાં ટ્રાવેલિંગ ‘મોંઘુ’: ટ્રેનો હાઉસફુલ, બસ અને ફલાઇટનાં ભાડા આસમાને, ટીકીટનાં ભાવ 4 ગણા વધ્યાં
આસામ પોલીસે સાત લોકોની ધરપકડ કરી
આસામ પોલીસે ઝુબીન ગાર્ગના શંકાસ્પદ મૃત્યુ મામલે SIT દ્વારા 7 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાં નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંતા, ઝુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્મા, બેન્ડમેમ્બર શેખર જ્યોતિ ગોસ્વામી, સાથી ગાયિકા અમૃતપ્રવા મહંતા, ઝુબીનના કઝીન અને સસ્પેન્ડેડ APS અધિકારી સંદીપન ગાર્ગ, તેમજ બે PSO નંદેશ્વર બોરા અને પરેશ બૈશ્યાનો સમાવેશ થાય છે. આરોપીઓ પર ક્રિમિનલ કોન્સ્પિરસી અને મર્ડરના આરોપો લગાવાયા છે. PSOના બેંક એકાઉન્ટમાં ₹1.1 કરોડથી વધુની અનિયમિત રકમ મળી આવી હતી. 15 ઓક્ટોબરે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. SIT સિંગાપુર પોલીસ સાથે MLAT હેઠળ તપાસ કરી રહી છે.
