વાહન વીમો, ડ્રાઈવિંગ લાયસન્સ-સ્પીડ લિમિટ માટે આવશે નવા નિયમો : ઇન્સ્યોરન્સ વગર વાહન ચલાવશો તો 5 ગણા દંડની જોગવાઈ
કેન્દ્ર સરકારે માર્ગ સલામતી વધારવા અને વીમા વગરના વાહનોની સંખ્યા ઘટાડવા માટે મોટર વાહન કાયદામાં મોટા સુધારા કરવાની તૈયારી કરી છે. જો આ નવા નિયમો લાગુ કરવામાં આવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન વીમા સંબંધિત કાયદાઓ વધુ કડક બનશે. ડ્રાઇવરો માટે આ નિયમોથી વાકેફ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પાલન ન કરવાથી ભારે દંડ થઈ શકે છે. કેન્દ્રએ જે દરખાસ્ત તૈયાર કરી છે તે મંજુરી માટે કેબિનેટમાં મુકવામાં આવી છે. જો કેબિનેટ મંજુરી આપશે તો નવા નિયમો લાગુ થશે.
વીમા વગરના વાહનો માટે કડક દંડ
અત્યાર સુધી, વીમા વગર વાહન ચલાવવા પર પ્રથમ ગુના માટે ₹2,000 અને બીજા ગુના માટે ₹4,000 નો દંડ લાગતો હતો. જો કે, નવા પ્રસ્તાવમાં દંડની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
પહેલા ગુના માટે: નવા નિયમ મુજબ, પહેલી વાર વીમા વિના વાહન ચલાવવાથી વાહનના વીમાના મૂળ પ્રીમિયમના ત્રણ ગણા સુધીનો દંડ થઈ શકે છે. બીજા ગુના માટે: જો એ જ ગુનો વારંવાર કરવામાં આવે છે, તો દંડ મૂળ પ્રીમિયમ રકમના પાંચ ગણો વધી જશે.
સ્પીડ લિમિટના નવા નિયમ
અત્યારે રોડ ઉપર દોડતી કારની સ્પીડ લિમિટ માટેના રાજ્ય અને કેન્દ્ર સરકારના નિયમો અલગ અલગ છે. આવા સંજોગોમાં કાર ચલાવનારાને પરેશાની થાય છે. તેમને ખબર હોતી નથી કે ક્યા રોડ ઉપર કઈ સ્પીડે કાર ચલાવવાની છે.પરંતુ હવે આ માટે પણ નવા નિયમો આવી રહ્યા છે. નવા નિયમો અનુસાર, નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે ઉપર સ્પીડ લિમિટ નક્કી કરવાનો અધિકાર કેન્દ્ર સરકારનો રહેશે. જયારે સ્ટેટ હાઈવે અને અન્ય સ્થાનિક માર્ગો માટે લિમિટ નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકારનો રહેશે.
આ પણ વાંચો : મચ્છર સામે RMCના ઝુક્યા શાસકોઃ દંડમાં 5 ગણો ઘટાડો ! મચ્છરના પોરા મળશે તો વસૂલાશે આટલો દંડ
ડ્રાઈવિંગ લાયસન્સ માટેના નવા નિયમો
ડ્રાઈવિંગ લાયસન્સ માટેના પણ નવા નિયમો આવી રહ્યા છે. હવે જો કોઈ વ્યક્તિ વધુ સ્પીડમાં કાર ચલાવે અથવા દારુ પીને દારુ ચલાવે અને તેમાં દોષીત સાબિત થાય તો લાયસન્સ રીન્યુ કરાવતી વખતે ફરી એક વખત ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડશે. એટલું જ નહી ૫૫ વર્ષથી ઉપરના લોકોને લાયસન્સ રીન્યુ કરાવવાનું થાય ત્યારે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડશે.
50 ટકા વાહનોનો વીમો નથી
દેશના 50 ટકા વાહનોનો વેલીડ ઇન્સ્યોરન્સ નથી. તેમાં સૌથી વધુ સંખ્યા દ્વિચક્રીય વાહનોની છે. દિલ્હી, યુ.પી.,રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાં 30 ટકાથી પણ ઓછા વાહન પાસે પી.યુ.સી. છે. એટલે કે લાખ્ખોની કાર ખરીદનારા લોકોમાંથી અડધોઅડધ લોકો વીમો નથી ઉતરાવતા 100 માંથી 70 લોકો પી.યુ.સી. નથી કઢાવતા.
આ પણ વાંચો : સરકારનું મફત અનાજ મેળવતા માલદારોનો ભાંડો ફૂટ્યો : રાજકોટમાં 1 લાખ ધનિકો મેળવે છે મફતના ઘઉં-ચોખા
ચલણ પણ નથી ભરતા
લોકો ટ્રાફિકનાં નિયમો તોડે છે પણ ચલણના પૈસા નથી ભરતા.2015 થી અત્યાર સુધીમાં 5.11 લાખ કરોડ રૂપિયાના ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે પણ તેમાંથી 1.92 લાખ કરોડ રૂપિયા જ ભરાયા છે. 3.18 લાખ કરોડ રૂપિયાના ચલણ ભરાયા નથી અને 7.69 કરોડ ચલણ કોર્ટમાં પેન્ડીંગ છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ મોંઘો થશે
આજકાલ સારવારનો ખર્ચ તો વધુ જ આવે છે અને હજુ વધી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાનગી વીમા કંપનીઓ હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમીયમમાં વધારો કરે તેવી શક્યતા છે. નિવા બુપા વીમા કંપની ચાલુ વરસે જ પ્રીમીયમમાં 8 થી 9 ટકાનો વધારો કરી શકે છે. આ જ રીતે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ પણ હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રીમીયમ વધારવાની યોજના બનાવી રહી છે. 2025માં સારવારનો મોંઘવારી દર 25 ટકા વધ્યો છે તેથી અન્ય વીમા કંપનીઓ પણ પ્રીમીયમ વધારવાનું વિચારી રહી છે.