3 વર્ષ સુધી નવી લો કોલેજને મંજુરી નહી મળે : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રતિબંધ લાદ્યો, જાણો શા માટે લેવાયો નિણર્ય
કાયદાના અભ્યાસમાં વધતું જતું વ્યાપારીકરણ રોકવા, ગેરરીતિ અટકાવવા અને લાયક ફેકલ્ટીની સતત અનુભવાતી અછત જેવા કારણોસર બાર કાઉન્સિલ ઓફ ઈન્ડયાએ આગામી ત્રણ વર્ષ સુધી કોઈ પણ નવી લો કોલેજને મંજુરી નહી આપવા નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ રાષ્ટ્રવ્યાપી રહેશે અને ક્યાંય નવી લો કોલેજ ખુલી નહી શકે.
બાર કાઉન્સિલે એક આદેશમાં સ્પષ્ટ કહ્યુ છે કે, BCIની પૂર્વ લેખિત અને સ્પષ્ટ મંજુરી સિવાય હાલની કાર્યરત કોઈ પણ લો કોલેજમાં નવો વિભાગ, નવો અભ્યાસક્રમ અને કોઈ પણ બેચ શરુ કરી શકાશે નહી.
કાઉન્સિલે જણાવ્યું છે કે કે, કાનૂની શિક્ષણનાં ક્ષેત્રે અભ્યાસની ગુણવત્તા સતત ઘટી રહી છે અને તેનું કારણ નવી નવી લો કોલેજને મંજુરી મળી રહી છે. રાજ્ય સરકારો આવી કોલેજનું યુનિવર્સિટીઓ સાથે જોડાણ છે કે નહી તેની પુરતી ચકાસણી કર્યા વગર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપી દેવામાં આવે છે. આવા સંજોગોમાં શૈક્ષણિક ગેરરીતિ વધી રહી છે.
અત્યારે દેશમાં અંદાજે 2000 જેટલી લો કોલેજ છે જે પૂરતી છે તેમ પણ BCIએ જણાવ્યું છે.નવી કોલેજના પ્રતિબંધનાં ત્રણ વર્ષ દરમિયાન હાલની કોલેજમાં સઘન ઇન્સ્પેકશન કરવામાં આવશે અને ઓડીટ પણ થશે. જે કોલેજમાં નિયમોનું પાલન નહી થતું હોય તેની માન્યતા રદ કરવાનો અથવા કોલેજ બંધ કરવાનો આદેશ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓગસ્ટ-2019માં પણ બાર કાઉન્સિલે ત્રણ વર્ષ માટે નવી લો કોલેજ શરુ કરવા ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે, ડિસેમ્બર 2020 માં, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ પ્રતિબંધ રદ કરી નાખ્યો હતો.
બાર કાઉન્સિલનાં મુખ્ય સચિવ શ્રીમંત સેનના જણાવ્યા અનુસાર, નવી કોલેજની મંજુરી ઉપર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુકવાના બાર કાઉન્સિલનાં નિર્ણયમાં રાજ્ય સરકારો, યુનિવર્સિટીઓ, લો કોલેજો અને અન્યો સહકાર આપે અને તેનું ચુસ્તપણે અમલીકરણ કરે તે જરૂરી છે.
