નેતન્યાહુની કાતિલ ચેતવણી: ગાઝાને રણ બનાવી દેશું
અકલ્પ્ય સંહાર, ઇઝરાયેલના 26 સૈનિકો સહિત 300 ના મોત: 1500 ઘાયલ, ગાઝામાં 23 બાળકો સહિત 256 મોતને ભેટ્યા: 1800 ઘાયલ
શનિવારની આખી રાત ગાઝા ઉપર ભીષણ બોમ્બ મારો
ઇઝરાયલ એ ગાઝાનો વીજ અને ફ્યુઅલ પુરવઠો અટકાવી દીધો.
ઇઝરાયેલ ઉપર ગાઝાના હમાસ આતંકવાદીઓએ કરેલા હુમલાબાદ ઇઝરાયેલ પૂરી તાકાતથી ગાઝા ઉપર તૂટી પડ્યું છે. ઇઝરાયેલ ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવાર રાત્રે રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યું કે આ યુદ્ધ લાંબુ ચાલશે. ઇઝરાયેલની સેના હમાસને ખતમ કરી નાખશે. તસુભર પણ દયા રાખ્યા વગર હમાસને પંગુ બનાવી દેશું અને ઇઝરાયેલ અને તેના નાગરિકો ઉપરના હુમલાનો બદલો લેશું.
તેમણે કહ્યું કે આ એ દુશ્મન છે જેણે ઘરમાં ઘૂસીને નિદ્રાધીન બાળકો અને માતાઓની હત્યા કરી છે. રજાના દિવસે નિર્દોષ આનંદ માણી રહેલા આપણા નાગરિકો,બાળકો, યુવાનો,મહિલાઓ અને વૃદ્ધોના અપહરણ કર્યા છે. આજે જે થયું છે એ ઇઝરાયેલ ના ઇતિહાસમાં પહેલા કદી નહોતું બન્યું અને હું એ સુનિશ્ચિત કરીશ કે ભવિષ્યમાં પણ કદી નહીં બને. તેમણે ગાઝાના નાગરિકોને ત્યાંથી ચાલ્યા જવાની ચેતવણી આપી અને કહ્યું કે અમે ગાજાને રણ બનાવી દેશો. અમે અમારી પૂરી તાકાત સાથે દરેક સ્થળે નજરે પડશું.
બીજી તરફ શનિવારે હમાસના આતંકીઓએ ગુજારેલા અત્યાચારો અને નરસંહારની હૈયા કંપાવી દે તેવી વિગતો બહાર આવી રહી છે. શનિવારે છેલ્લા અહેવાલ પ્રાપ્ત થયા ત્યાં સુધીમાં ઇઝરાયેલી નાગરિકોનો મૃત્યુ આંક 300 ને આંબી ગયો હતો. 26 ઇઝરાયેલી સૈનિકો અને ત્રણ ફાયર બ્રિગેડ જવાનો પણ હમાસના હુમલામાં શહીદ થયા હતા. 1500 કરતાં વધારે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાને કારણે મૃત્યુ આંક હજુ પણ વધવાની સંભાવના છે.
શનિવારે ઇઝરાયેલી સુરક્ષા દળો ઊંઘતા ઝડપાઈ ગયા બાદ જોકે બપોર પછી ઇઝરાયલે વળતા પગલાં શરૂ કર્યા હતા અને રાતભર એરસ્ટ્રાઈક ચાલુ રહી હતી. ઇઝરાયલે કરેલી બોમ્બે વર્ષામાં 256 પેલેસ્ટેનિયન નાગરિકો અને હમાસના આતંકીઓ માર્યા ગયા હતા. મૃતકોમાં 23 બાળકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલ ના હુમલામાં 1800 લોકો ઘાયલ થયા હોવાનું પેલેસ્ટાઇન ના પ્રવક્તાએ જણાવ્યું હતું.ગાઝાપટ્ટી માં પર્યાપ્ત આરોગ્યલક્ષી સુવિધાને અભાવને ત્યાં પણ મૃત્યુ આંક વધવાની સંભાવના છે.
ઇઝરાયેલની થળસેના ગમે ત્યારે ગાઝામાં પ્રવેશી શકે છે
ઇઝરાયેલ ની થળસેના ગાઝાના પ્રવેશ દ્વાર પર ખડકાઈ ગઈ છે. આદેશ મળ્યે ગમે તે મિનિટે આ સેના ગાઝામાં કુચ કરી જશે. શનિવારે કેબિનેટ સિક્યુરિટી ની મીટીંગ પૂર્ણ થયા બાદ નેતન્યાહુએ કહ્યું કે અમારું પહેલું ધ્યેય ઇઝરાયેલમાં પ્રવેશી ગયેલા એક એક આતંકીને મારી નાખવાનું છે. સાથે જ એર સ્ટ્રાઈક તો ચાલુ જ છે અને જ્યાં સુધી હમાસને ખતમ કરી દેવાનું લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી આક્રમણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે આ દૃષ્ટ શહેરમાં હમાસ જ્યાં પણ તૈનાત થશે, જ્યાં પણ છુપાયેલ હશે અને જ્યાં પણ કાર્યરત હશે તેને અમે ખંડેરમાં ફેરવી નાખશું
સો ઇઝરાયેલી નાગરિકો સૈનિકો હમાસના કબજામાં
અમેરિકા ખાતેની ઇઝરાયેલ ની એમ્બેસીએ કરેલા ટ્વિટમાં સો ઇઝરાયેલી નાગરિકો અને સૈનિકોને હમાસે બંધક બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. ઇઝરાયેલ આર્મી ના પ્રવક્તા રિચાર્ડ ડેરના કહેવા મુજબ આતંકીઓએ ઘરમાં ઘૂસીને નરસંહાર કર્યો હતો. તેમણે કહ્યું કે સેકડો આતંકીઓ ઇઝરાયેલમાં ઘૂસી ગયા છે અને તેમની સાથે રવિવારે સવારે પણ લડાઈ ચાલુ હતી. બીજી તરફ હમાસે પણ અનેક બંધકોના ફોટા જારી કર્યા હતા. ગાઝા નજીકના સેડરોટ નગરમાં રસ્તાઓ અને ગાડીઓમાં લોહીથી લગભગ મૃતદેહો નજરે પડ્યા હતા
સેકડો આતંકીઓનો ખાતમો આઠ સ્થળે ઓપરેશન ચાલુ
ઇઝરાયેલમાં ઓછામાં ઓછા 1000 આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. આ આતંકીઓ સાથે શનિવારે 22 સ્થળે ઇઝરાયલ સેનાનો જંગ શરૂ થયો હતો. સાથે જ ગાઝા ઉપર એરસ્ટ્રાઇકની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી હતી. ઇઝરાયેલ મીલીટરીના પ્રવક્તા એડમીરલ ડેનિયલ હગારીના જણાવ્યા અનુસાર ગાઝા અને દક્ષિણ ઇઝરાયેલમાં સેકડો આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવાયો છે. રવિવારે સવારે ઈઝરાયલે હમાસ સંગઠનના ઇન્ટેલિજન્સ હેડ ક્વાર્ટર ઉપર બોમ્બ વરસાવી એ ઇમારતને જમીનદોસ્ત કરી નાખી હતી. રવિવારે પણ ગાઝા સ્ટ્રીપ નજીકના આઠ સ્થળે આતંકીઓ સાથે જંગ ચાલુ હતો. ઇઝરાયેલ આર્મી ના પ્રવક્તાના જણાવ્યા મુજબ સેડરોટ નગરમાં અમાસના આતંકવાદીઓએ કબજે લીધેલ પોલીસ સ્ટેશનને મુક્ત કરાવી દેવાયું હતું. એ ઓપરેશન દરમિયાન 10 આતંકીઓ માર્યા ગયા હતા.
લેબેનોનના આતંકી સંગઠન દ્વારા ઇઝરાયલના લશ્કરી થાણા પર હુમલો
ઈરાનના પીઠબળવાળા લેબેનોન સ્થિત હેઝબુલ્લાહ સંગઠને ઇઝરાયેલ કબજાગ્રસ્ત સેબા ફાર્મ ઉપર રોકેટ વડે હુમલો કરતા યુદ્ધનો એક નવો મોરચો ખુલી રહ્યા હોવાના સંકેતો પ્રાપ્ત થયા છે. 1967 ના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ 15 સ્ક્વેર માઈલ નો વિસ્તાર ધરાવતા આ વિસ્તારનો ઈઝરાયલે કબજો લઈ લીધો હતો અને ત્યાં ત્રણ લશ્કરી થાણા સ્થાપવામાં આવ્યા છે. હેબઝુલ્લાહ દ્વારા ઉત્તર ઇઝરાયેલ ઉપર પણ મોર્ટાર સેલ વડે આક્રમણ કરવામાં આવ્યું હતું. વળતા પગલા તરીકે ઇઝરાયેલે હેઝબુલ્લહના લશ્કરી થાણા ઉપર તોપગોળા વરસાવ્યા હતા. નોંધનીય છે કે શુક્રવારે હમાસે હુમલો કર્યો ત્યારે તેના વડાએ તમામ અરબ દેશો સહિત હેઝબુલ્લાહને પણ આ ‘ પવિત્ર ‘ લડાઈમાં જોડાઈ જવાનું આહવાન કર્યું હતું. તજજ્ઞોના મતે જો હેઝબુલ્લાહ આ જંગ માં સામેલ થશે તો ઇઝરાયકે બે મોરછે લડાઈ લડવી પડશે જે આ યુદ્ધને નવું સ્વરૂપ આપી શકે છે.