રાજકોટ મનપાની બેદરકારી !! ગટરના તૂટેલા ઢાંકણાએ અખબાર એજન્ટનો ભોગ લીધો, સારવાર દરમિયાન મોત
રાજકોટમાં મનપાની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં ટુ-વ્હીલર સ્લીપ થઈ જતા અખબારના એજન્ટ વનરાજ સિંહ જાડેજાનુ મોત નીપજ્યું છે. ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો અને તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રૌઢનું 10 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે. ત્યારે હજી તંત્રની આંખ ઉઘડશે નહીં અને કામગીરી પર ધ્યાન આપવામાં નહીં આવે તો અનેક લોકો હજુ ખાડા અને ગટરના ઢાંકણને લીધે જીવ ગુમાવશે.
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના હીરા બંગલા નજીકની છે જ્યાં મનપાની બેદરકારીના લીધે અખબારોના એજન્ટ વનરાજ સિંહ જાડેજાએ જીવ ગુમાવ્યો હતો. ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો. ગટરના તૂટેલા ઢાંકણાથી ટુ-વ્હીલર સ્લીપ થઈ 15 ફૂટ ઢસડાયું હતું જેમાં પ્રૌઢને ગંભીર ઈજા થતાં 10માં દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અખબાર એજન્ટના મોત મામલે મેયરનું નિવેદન
રાજકોટમાં અખબારો એજન્ટ વનરાજ સિંહ જાડેજા નામના વ્યક્તિની મોત મામલે મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપીને જણાવ્યું હતું કે બનાવ સ્થળ ખાતે ગટરના ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ હતી. ગંભીર બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું 10 દિવસ બાદ મોત નિપજ્યું છે. વોર્ડ નંબર 1ના ઓફિસરને ડ્રેનેજની ફરીયાદ ઉકેલવા સૂચના અપાઇ છે.
ત્રણેય ઝોનના સીટી ઇજનેરને બોલાવી શહેરમાં તાત્કાલિક અસરથી ડ્રેનેજને લગતી ફરીયાદો ઉકેલવા સૂચના આપવામાં આવશે. શહેરમાં ગટરના ઢાંકણા જેટલી જગ્યાએ તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાંખવામાં આવશે. ફ્રેમ જેટલી તૂટી હશે તે તમામ નવી નાખવાનું કામ કરવામાં આવશે.
ગાયત્રીબા વાઘેલાની અખબાર એજન્ટના મોત મામલે પ્રતિક્રિયા
ગાયત્રીબા વાઘેલાની અખબાર એજન્ટના મોત મામલે પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે કોર્પોરેશનની ધોર બેદરકારીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. કોર્પોરેશનમાં અનેક વાર રજૂઆત કરાઈ છતાં કામગીરી થઈ નથી તેથી પ્રોઢનો ભોગ લેવાયો છે. મંત્રીનો વિસ્તાર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રના પદાધિકારીઓ જવાબદારના રાજીનામા લે તો જ સાચો ન્યાય મળ્યો તેમ કહેવાશે.