કાલે ફરી NDA વિરુદ્ધ INDIA નો મુકાબલો
હિમાચલ , પશ્ચિમ બંગાળ અને પંજાબમાં શાસક પક્ષોની કસોટી
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થશે બળાબળનાં પારખા
લોકસભાની ચૂંટણી બાદ આવતીકાલે તારીખ 10 ના રોજ ફરી એક વખત સાત રાજ્યોની 13 વિધાનસભાની બેઠકો પર યોજનાર પેટા ચૂંટણીમાં એનડીએ અને ઇન્ડિયાનો મુકાબલો થશે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને પંજાબની બેઠકો પર સૌની નજર રહેશે. આ બેઠકો પર ધારાસભ્યોએ કરેલા પક્ષ પલટા તેમજ સિટિંગ ધારાસભ્યોના મૃત્યુને કારણે બેઠકો ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
આવતીકાલે બિહારની રૂપૌલી, પશ્ચિમ બંગાળની રંગઘાટ દક્ષિણ, બાગદાહ અને મનીકટાલા, તામિલનાડુની વિક્રવાંડા, મધ્યપ્રદેશની અમરપારા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગલુર, પંજાબની જલંધર વેસ્ટ અને હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢ બેઠકો પર મતદાન યોજાશે.
અનેક રાજ્યોમાં આ પેટા ચૂંટણી શાસક પક્ષો માટે કસોટી રૂપ સાબિત થઈ રહી છે. પંજાબમાં જલંધરની બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શીતલ આંગરૂલ ભાજપમાં જોડાઈ જતા આપને મોટો ઝાટકો લાગ્યો હતો. હવે એ બેઠક આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાની બની ગઈ છે. ખુદ મુખ્યમંત્રી ભગવંત માને જલંધરમાં ઘર ભાડે રાખે પ્રચાર સુકાન સંભાળ્યું હતું. પક્ષપલટુ શીતલ આંગરૂલ સામે આમ આદમી પાર્ટીએ મોહેનદર ભગતને ટિકિટ આપી છે. લોકસભાની ચૂંટણીમાં ઉજવળ દેખાવ પછી જોમમાં આવી ગયેલી કોંગ્રેસે પણ જલંધરના પાંચ વખતના નગરસેવક સુરેન્દ્ર કૌરને મેદાનમાં ઉતારતા આ બેઠક ઉપર ત્રિપાઠીયો જંગ જામ્યો છે.
મધ્યપ્રદેશમાં આમ તો અમરાપારની એક જ બેઠક ઉપર પેટા ચૂંટણી છે પણ એ બેઠક કમલનાથના ગઢ ગણાતા છિંદવાડા મત ક્ષેત્રમાં આવેલી હોવાથી જંગ પ્રતિષ્ઠાનો બની ગયો છે. આ બેઠક ઉપરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય કમલેશ શાહ લોકસભાની ચૂંટણી પહેલા જ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે તેમને જ મેદાનમાં ઉતાર્યા છે. સામે પક્ષે કોંગ્રેસે ધિરન શાહને ટિકિટ આપી છે. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે લોકસભાની ચૂંટણીમાં છિંદવાડાની બેઠક પર કમલનાથના પુત્ર નકુલનાથનો પરાજય થયો હતો. આ બેઠક ઉપર પક્ષપલટુ કમલેશ શાહને મ્હાત કરવા કમલનાઠે પૂરતી તાકાત લગાવી દેતા આ જંગ રસપ્રદ બન્યો છે. બિહારમાં રૂપૌલીની બેઠક પર ગત ચૂંટણીમાં વિજેતા થયેલા જેડીયુના ધારાસભ્ય બીમા ભારતી રાજીનામું આપી આરજેડીમાં જોડાઈ ગયા હતા. આરજેડીએ તેમને લોકસભાની ચૂંટણીમાં પુરનીયાની બેઠક પર ટિકિટ આપી હતી પરંતુ તેમનો પરાજય થયો હતો.હવે તેઓ આરજેડીના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. જેડીયુએ તેમની સામે કલાધાર મંડલને ટિકિટ આપી હતી. જેડીયુ એ બેઠક જાળવી શકશે તેમ તે ના ઉપર સૌની નજર રહેશે
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી માટે ગુમાવેલો ગઢ પાછો મેળવવાનો પડકાર
પશ્ચિમ બંગાળમાં ચાર બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે. તેમાંથી ત્રણ બેઠકો પર ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા હતા અને ત્યારબાદ પક્ષપલટો કરી ટીએમસી માં જોડાયા હતા. ટીએમસીએ એ ત્રણે પક્ષ પલટુઓને લોકસભાની ટિકિટ આપી હતી અને ત્રણેય પરાજિત થયા હતા.
રાયગઢની બેઠક ઉપર ક્રિષ્ના કલ્યાણી ધારાસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે વિજય થયા હતા. તેઓ પક્ષપલટો કરી ટી એમ સી માં જોડાયા બાદ એ જ બેઠક પરથી લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. ટીએમસી એ હવે ફરી તેમને જ મેદાનમાં ઉતાર્યા છે. એ જ રીતે બાગદાહ ની બેઠક પર ભાજપના પક્ષપલટુ ધારાસભ્ય બિશ્વજીત દાસ અને રંગઘાટ દક્ષિણની બેઠક પર ભાજપના પક્ષપલટુ ધારાસભ્ય મુકુટમણી અધિકારી ટીએમસી ના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. આ બધી બેઠકો મૂળભૂત રીતે ભાજપ પાસે હતી. ટીએમસી એ ફરી એક વખત લોકસભાની ચૂંટણી હારી ગયેલા એ ત્રણેય નેતાઓને ટિકિટ આપી છે. લોકસભાની ચૂંટણીમાં ટીએમસી ના ઉજ્જવળ દેખાવ બાદ હવે આ પેટા ચૂંટણીમાં તે પોતાનો ગુમાવેલો ગઢ પાછો મેળવી શકે છે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે. માનીકટલાની બેઠક પર ટીએમસીના સીટિંગ ધારાસભ્ય સધન પાંડે નું મૃત્યુ થતાં પેટા ચૂંટણી યોજાઇ છે. ટી એમ સી એ તેમના પત્ની કમલેશ પાંડેને ટિકિટ આપી છે.
હિમાચલ પ્રદેશમાં રસપ્રદ જંગ મુખ્યમંત્રીના પત્ની મેદાનમાં
હિમાચલ પ્રદેશમાં દેહરા, હમીરપુર અને નાલાગઢ ની બેઠકો પર ગત ચૂંટણીમાં અપક્ષો વિજયી થયા હતા. તે બધાએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની તરફેણમાં મતદાન કર્યું હતું અને બાદમાં રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે ફરીથી એ પૂર્વ ધારાસભ્યોને જ ટિકિટ આપી છે. સૌથી વધારે રસપ્રદ જંગ દેહરાની બેઠક પરનો છે. એ બેઠક ઉપર કોંગ્રેસે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખના પત્ની કમલેશ ઠાકુરને મેદાનમાં ઉતારતા એ બેઠક પ્રતિષ્ઠાની બેઠક બની ગઈ છે.