એનસીપીનું ભાવિ અનિશ્ચિત: અજીત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનની સંભાવના, ભંગાણ પડવાનો ખતરો
અજીત પવારના અચાનક નિધન સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં એક એવો ખાલીપો ઊભો થયો છે, જેને તરત પૂરવો મુશ્કેલ દેખાય છે. દાયકાઓથી સત્તાના કેન્દ્રમાં રહેલા, જનાધાર ધરાવતા અને રાજકીય ગણતરીમાં નિપુણ એવા અજીત પવારની વિદાય સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનની સંભાવના જોવાઈ રહી છે.
અજીત પવારના નિધનને પગલે એનસીપીનું ભાવિ અનિશ્ચિત બન્યું છે.હવે, 41 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતા એ પક્ષનું નેતૃત્વ કોણ સંભાળશે તે સવાલ ઊભો થયો છે. રાજકીય વિશ્લેષકોના મતે અજીત પવારના કદનો બીજો કોઈ નેતા એનસીપીમાં દેખાતો નથી. આ સંજોગોમાં તેમના પત્ની સુનેત્રા પવાર પક્ષનું સુકાન સંભાળે તો પણ પક્ષને એકજુટ રાખી શકશે કે કેમ તે અનુમાનનો વિષય છે. વળી નાયબ મુખ્યમંત્રીપદ માટે પક્ષમાં આંતરિક હરિફાઈ થવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે.વિવાદ થાય તો મોટી સંખ્યામાં પક્ષ પલટો થવાનો અને પક્ષમાં ભંગાણ પડવાનો ખતરો છે.
આ પણ વાંચો :‘એનિમલ-2’માં પણ રણબીર કપૂર ખેલશે લોહિયાળ હોળી: બીજો ભાગ પહેલા કરતા વધુ ભવ્ય અને આઘાતજનક હશે
નોંધનીય છે કે અજીત પવાર અને શરદ પવાર વચ્ચે ફરી સમાધાનની સંભાવનાઓ તાજેતરમાં દેખાઈ હતી. પિમ્પરી-ચિંચવડની સ્થાનિક ચૂંટણીમાં બંને જૂથો સાથે મળીને લડ્યા તે ઘટનાને જ પવાર પરિવારના રાજકીય મિલનના સંકેત તરીકે જોવામાં આવી હતી. પણઅજીત પવારના નિધનથી આ પ્રક્રિયા હવે અનિશ્ચિત બની ગઈ છે.
શરદ પવાર 83 વર્ષના છે અને તેમણે જાહેરમાં રાજકારણમાંથી નિવૃત્તિના સંકેતો આપી દીધા છે. એનસીપીના બે મુખ્ય ચહેરા અજીત પવાર અને સુપ્રિયા સુળે પૈકી અજીતની વિદાય સાથે પક્ષમાં નેતૃત્વનો ખાલીપો સર્જાયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. એ નોંધવું જરૂરી છે કે સુપ્રિયા સુળે રાષ્ટ્રીય સ્તરે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ ગ્રામ્ય મહારાષ્ટ્રમાં અજીત પવાર જેવો બીજો કોઇ માસ લીડર અને સંગઠનકર્તા નજરે પડતો નથી. પવાર પરિવારિક રાજકારણની વાત કરીએ તો, અજીત પવારના ભાણેજ રોહિત પવાર હજુ પોતાની રાજકીય કારકિર્દીના શરૂઆતના તબક્કામાં છે. પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા સાંસદ છે, પરંતુ શું તેઓ રાજકીય સુકાન સંભાળી શકે કે કેમ તે અંગે શંકા છે. અજીત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શરૂ થયેલી આ અનિશ્ચિતતા, આવનારા દિવસોમાં સત્તાસમીકરણોને નવી દિશા આપી શકે છે.
