બાંગ્લાદેશના સાંસદની કોલકતામાં ભેદી હત્યા:લાશની શોધખોળ ચાલુ
ભારતમાં આવ્યા બાદ લાપતા બની ગયા હતા
બાંગ્લાદેશના શાસક પક્ષ અવામી લીગના સાંસદ અનવારૂલ અઝીમ અનારની કોલકતામાં હત્યા થઈ હોવાનું બાંગ્લાદેશના ગૃહમંત્રીએ જાહેર કર્યું હતું. અનવારુલ અઝીમ 12 મી મે ના રોજ તબીબી સારવાર માટે કોલકતા આવ્યા હતા.13 મી તારીખથી તેઓ સંપર્કવિહોણા બની ગયા બાદ કોલકતામાં રહેતા તેમના મિત્ર ગોપાલ વિશ્વાસે 18 મી તારીખે તેઓ લાપતા બન્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અનવારૂલ તા.13 ના રોજ ગોપાલ વિશ્વાસ સાથે બિધનનગરમાં મેડિકલ ચેક અપ માટે ગયા હતા.ત્યાર બાદ તેમણે પોતે દિલ્હી જઇ રહ્યા હોવાનો વોટસએપ પર મેસેજ મોકલ્યો હતો.જો કે ત્યાર બાદ તેઓ લાપતા બની જતાં તેમની બાંગ્લાદેશ સ્થિત પુત્રીના કહેવાથી ગોપાલ વિશ્વાસે ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન કોલકતાના ન્યુ ટાઉન વિસ્તારમાં એક બિલ્ડિંગમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા.આનવારૂલની લાશ એ વિસ્તારમાં જ ક્યાંક દાટી દીધી હોવાની શંકાના આધારે પોલીસે સઘન શોધખોળ હાથ ધરી હતી. અનવારૂલ અઝીમ બાંગ્લાદેશના લોકપ્રિય નેતા હતા અને ત્રણ ટર્મથી સતત ચૂંટાતા આવ્યા હતા.તેઓ વારંવાર કોલકતા આવતા હોવાનું જાણવા મળ્યું છે.
બાંગ્લા દેશમાં ત્રણની ધરપકડ
અનાવરૂલ અઝીમની કોલકતામાં હત્યા થઈ હોવાની બાંગ્લાદેશના ગૃહમંત્રી અસ્સદુઝમાન ખાને ઢાકા ખાતે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી.બાંગ્લાદેશ પોલીસે એ બારામાં ત્રણ શખ્સોની ધરપકડ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.બીજી તરફ એક વિદેશી રાજદ્વારીની હત્યા થતાં કેન્દ્રીય એજન્સીઓએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.જો કે લાશ મળી કે નહીં તે અંગે કોલકતા પોલીસે સ્પષ્ટતા ન કરતા અનેક ભેદ ભરમ સર્જાયા છે.
