મારી પત્ની અને પુત્રી મરી ગયા, પુત્ર લાપતા છે, હે ભગવાન,હવે કરીશ શું? યુવાનનો વલોપાત
શનિવારે નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર સર્જાયેલી કાળમુખી દુર્ઘટનાએ અનેક પરિવારોના માળા વીંખી નાખ્યા હતા. માત્ર પ્રયાગરાજ જ નહીં પરંતુ નિયમિત ટ્રેન દ્વારા બિહાર જઈ રહેલા મુસાફરો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ ગોઝારી ઘટના બાદ
દિલ્હીના રેલ્વે સ્ટેશન પર પરિવારજનોને ગુમાવનાર લોકોના કલ્પાંત અને આક્રંદને કારણે વાતાવરણ અત્યંત ગમગીન અને હૃદય દ્રાવક બની ગયું હતું.

મહાકુંભમાં ભાગ લેવા માટે થયેલા અસામાન્ય ધસારા સમયે ભીડ નિયંત્રણ પણ કાબુ કરવામાં રેલવે તંત્રની નિષ્ફળતાને કારણે 18 – 18 અમૂલ્ય જિંદગી છીનવાઈ ગઈ હતી.
સૌથી કરુણ કિસ્સો બિહારના નવાદા ગામના રાજકુમાર માંઝીનો છે. તેમનો પરિવાર પોતાના ગામે પરત ફરવા માટે રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. એ દરમિયાન થયેલી અંધાધુધી અને નાસભાગમાં પરિવાર વિખુટો પડી ગયો હતો. 46 વર્ષનો રાજકુમાર તેના પરિવારજનોને શોધવા આમ થી તેમ દોડી રહ્યો હતો પરંતુ તેના નસીબમાં પરિવારજનોના મૃત્યુનો આઘાત લખાયો હતો. રાજકુમાર માંઝીની આઠ વર્ષની પુત્રી પૂનમ અને તેની પત્ની શાંતિ દેવીના કચડાઈ જવાને કારણે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. તેનો પુત્ર રવિદાસ લાપતા બની ગયો હતો. આ કારમાં આઘાતથી ભાંગી પડેલા રાજકુમારે કહ્યું કે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે.
પત્ની અને વ્હાલસોઈ પુત્રી મૃત્યુ પામ્યા છે અને પુત્ર રવિદાસ નો ક્યાંય પતો નથી. આક્રંદ કરતા તેણે કહ્યું કે હે ભગવાન, હવે હું બાકીની જિંદગી જીવીશ કઈ રીતે?
માંઝીએ કહ્યું કે પ્લેટફોર્મ ઉપર બેકાબુ ભીડ હતી પણ પોલીસ ક્યાંય દેખાતા નહોતા. ઉપરથી વધુને વધુ લોકો
પ્લેટફોર્મ પર આવતા રહેતા હતા. નાસભાગ મચી તે પછી પણ કોઈ મદદ આવ્યું નહોતું. લોકો પોતાની જાતે પડી ગયેલા અને કચડાઈ ગયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હતા.
બિહારની શોભા નામની મહિલાની દેરાણીનું પણ આ ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમને ઘાયલ થયેલા તેમના દિયરે બનાવવાની જાણ કર્યા બાદ તેઓ હોસ્પિટલે દોડી ગયા ત્યારે દેરાણીનો મૃતદેહ જોવા મળ્યો હતો.
શોભાએ કહ્યું કે મારી દેરાણીના મૃતદેહ ની પથારી ઉપર અન્ય ત્રણ મૃતદેહો પણ પડ્યા હતા. હરિયાણાની 34 વર્ષની મહિલા સંગીતા મલિક તેની સહેલીઓ સાથે મહાકુંભમાં જવા માટે નીકળી હતી પરંતુ દિલ્હી રેલવે સ્ટેશન ઉપર જ કાળ તેને કોળિયો કરી ગયો.
સમયસર સારવાર મળી હોત તો મારા સાસુની જિંદગી બચી ગઈ હોત
બિહારના પપ્પુ યાદવે કહ્યું કે સાંજે છ વાગ્યાથી જ
બેકાબુ ભીડ એકત્ર થવા લાગી હતી. કાંઈક અજુગતું બનવાના એંધાણ ત્યારે જ પ્રાપ્ત થઈ ગયા હતા. નવ વાગ્યા આસપાસ ધક્કા મૂકી શરૂ થવા લાગી હતી.
આટલી ભીડ હોવા છતાં ગણ્યા ગાંઠ્યા પોલીસ જ ઉપસ્થિત હતા. બાદમાં પરિસ્થિતિ એવી થઈ કે કોઈ કોઈને મદદ કરી શકે તેમ નહોતું. નાસભાગ મચી ત્યારે
અનેક લોકો કચડાઈ ગયા હતા અને તેમના પરિવારજનો તેમને બચાવવાની કોશિશ કરતા હતા.
આ બનાવમાં પપ્પુ યાદવના સાસુનું પણ મૃત્યુ થયું હતું.
તેમણે કહ્યું કે તેમને જો સમયસર સારવાર મળી હોત તો બચાવી શક્યા હોત પરંતુ તંત્ર તરફથી મદદ મળવામાં ખૂબ વિલંબ થયો.
બિહારના શાહ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
બિહારના મુઝફરપુરના મનોજ શાહ દિલ્હીથી પોતાના ઘરે પરત જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
તેમના પરિવારના સભ્યો પ્લેટફોર્મ ઉપર ટ્રેનની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ભયંકર ધસારો થતાં
ભારે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં તેમના પત્ની ક્રિષ્ના દેવી અને 11 વર્ષની પુત્રી સુરુચિના મૃત્યુ થયા હતા. એ જ પરિવારના રામસ્વરૂપ શાહના
15 વર્ષના પુત્ર વિજયનો પણ ભોગ લેવાયો હતો.
રેલવે સ્ટેશન ઉપર કોઈ સુરક્ષા પ્રબંધ ન હોવાનો લોકોનો આક્ષેપ
અનુજ કુમાર નામના યુવાને મીડિયાના કેમેરા સમક્ષ
પોલીસ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું કે પ્લેટફોર્મ ઉપર માત્ર પાંચ જ પોલીસમેન નજરે પડતા હતા. દુર્ઘટના બની તેના દોઢ કલાક પહેલા એટલે કે રાત્રે 8:30 ની આસપાસ પોલીસે મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. ઘટના નજરે નિહાળનાર ગુડ્ડુ રાવ નામના મુસાફરે કહ્યું કે પોલીસ ક્યાંય નજરે નહોતી પડતી. દુર્ઘટના બાદ છેક અડધી કલાક પછી પોલીસ પહોંચી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ધર્મેન્દ્રસિંહ નામના બીજી એક વ્યક્તિએ કહ્યું કે હું પ્રયાગરાજ જઇ રહ્યો હતો. અનેક ટ્રેનો મોડી હતી અથવા તો કેન્સલ કરવામાં આવી હતી અને પરિણામે પ્લેટફોર્મ ઉપર હજારો લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે ઉમેર્યું કે મારી જિંદગીમાં મેં કદી આટલી ભીડ નથી જોઈ. તેમણે તેમની નજર સામે જ 6 થી 7 મહિલાઓને સ્ટ્રેચરમાં લઈ જવાતા જોયા હતા. આ બનાવમાં પોતાની માતાને ગુમાવનાર બિહારના છાપરા નામની મહિલાએ કહ્યું કે પ્લેટફોર્મ ઉપર ઉભા રહેવાની પણ જગ્યા નહોતી. અનેક લોકો મારી નજર સામે જ કચડાઈ ગયા.
પત્રકારોને પ્રવેશબંધી: બનાવ અંગે રેલવેના અધિકારીએ બાલીશ ખુલાસો આપ્યો
આ ઘટના બાદ હોસ્પિટલ ખાતે પત્રકારોને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી હતી. એક મહિલા પત્રકારે
રેલવે સ્ટેશન પર તેની સાથે પોલીસે ધાકધમકી કરી અને રિપોર્ટિંગ કરતા રોક્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. નોર્ધન રેલવેના ચીફ પબ્લિક ઓફિસર હિમાંશુ ઉપાધ્યાયના કહેવા મુજબ તો સ્થિતિ સામાન્ય હતી,
ટ્રેનો સમય દોડી રહી હતી. તેમણે કહ્યું કે ઘટના બની ત્યારે પાટણ જઈ રહેલી મગધ એક્સપ્રેસ
પ્લેટફોર્મ નંબર 14 ઉપર ઊભી હતી જ્યારે જમ્મુ જઈ રહેલી ઉત્તર સંપર્ક ક્રાંતિ ટ્રેન પ્લેટફોર્મ નંબર 15 ઉપર ઊભી હતી. તે સમયે પ્લેટફોર્મ નંબર 14 થી પ્લેટફોર્મ નંબર 16 ઉપર જઈ રહેલા એક મુસાફર સીડી ઉપર લપસી જતા તેની પાછળ ઉભેલા મુસાફરોને ધક્કા લાગ્યા હતા અને આ ઘટના બની હતી. તેમણે વિશેષમાં ઉમેર્યું કે કોઈ ટ્રેન કેન્સલ કરવામાં નહોતી આવી અને ઉલટાની વધારે ટ્રેનો દોડાવવામાં આવી હતી.
દિલ્હીના ગવર્નરે ટ્વીટ બદલી નાખ્યું.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સકસેનાએ રાત્રે 11. 55 વાગ્યે ટ્વીટ કર્યું તેમાં લખ્યું હતું,” નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં નાસભાગને કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે અને ઘણા ઘાયલ થયા છે. મારી સંવેદના..”
બાદમાં 12.24 વાગ્યે એ ટ્વીટ દૂર કરીને તેમણે બીજું ટ્વીટ કર્યું,” નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. સ્થિતિ સંભાળવા માટે મુખ્ય સચિવ અને પોલીસ વડા સાથે વાત કરી છે”.
એ ટ્વિટમાં તેમણે મૃત્યુ અને સંવેદના વાળી વાત દૂર કરી દીધી હતી. જોકે બાદમાં 12.56 વાગ્યે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી આઘાત અને સંવેદનાની લાગણી વ્યક્ત કરી હતી.
રેલવે તંત્રએ બોધપાઠ ના લીધો
મહાકુંભ માટે 13000 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી અને વાહવાહી મેળવી લેનાર રેલવે મંત્રી અને રેલવે તંત્ર વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ ગયું હતું.
દરરોજ અનેક ટ્રેનો મોડી પડતી હતી. દિલ્હી રેલવે સ્ટેશન ઉપર પણ ટ્રેન મોડી પડવાને કારણે જ બેકાબુ ભીડ એકત્ર થવા લાગી હતી. એ અગાઉ પ્રયાગરાજ રેલ્વે સ્ટેશન અને બિહારના સ્ટેશનો ઉપર આવી જ અંધાધૂંધીના દ્રશ્યો રોજિંદા બની ગયા હતા. લોકો લાઠીઓ વડે એર કન્ડિશન કોચની બારીઓના કાચ તોડી અંદર પ્રવેશતા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર એક કરતાં વધારે વખત જોવા મળ્યા હતા. ત્યાં સુધી કે લોકોએ ટ્રેનના એન્જિનમાં બેસીને મુસાફરી કરી હતી.આટલી બધી ગંભીર સ્થિતિ દરરોજ સર્જાતી હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું હતું અને પરિણામે નવી દિલ્હીની દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની હતી.
ફાયર બ્રિગેડ સમયસર ના પહોંચી શક્યું
બનાવની જાણ થતા દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્ટેશનથી ફાયર બ્રિગેડ ની બે ટીમો રવાના થઈ હતી પરંતુ દેશબંધુ રોડ પર ટ્રાફિક જાનમાં અટવાઈ ગયા હતા. બાદમાં કોનો ટુ પ્લસ ફાયર સ્ટેશનથી ટીમોને દોડાવવામાં આવી હતી. એ ટીમના અધિકારી રાજેન્દ્ર અટવાલે પ્લેટફોર્મ પર હજારો સ્લીપર અને સેન્ડલ પડ્યા હોવાનું જણાવ્યું હતું.