મુસ્લિમ પુરુષ 4 પત્ની રાખી શકે અને લગ્નની નોંધણી પણ કરાવી શકે : મુંબઈ હાઇકોર્ટની ખંડપીઠે આપ્યો ચુકાદો
મુસ્લિમ પુરુષને ચાર પત્નીઓ રાખવાનો તથા તેના લગ્નની નોંધણી કરાવવાનો અધિકાર હોવાનો ચુકાદો મુંબઈ હાઇકોર્ટ આપ્યો હતો. વિગત એવી છે કે ઠાનેમમાં રહેતા એક મુસ્લિમ શખ્સે એક અલ્જેરિયન મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા બાદ તેના એ લગ્નની નોંધણી કરવાનો થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇનકાર કરી દીધો હતો. એ માટે કોર્પોરેશનને મહારાષ્ટ્ર રેગ્યુલેશન ઓફ મેરેજ બ્યુરોઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટનો હવાલો આપી એ કાયદા મુજબ માત્ર એક જ લગ્નની નોંધણી થઈ શકે તેવી જોગવાઈ હોવાનું કારણ દર્શાવ્યું હતું.
તેની સામે મુસ્લિમ શખ્સે હાઇકોર્ટમાં દાદ માંગી હતી. તે કેસની સુનવણી દરમિયાન જસ્ટીસ બી.પી. કોલાબાવાલા અને જસ્ટિસ સોમશેખર સુંદર્શનની બેન્ચએ જણાવ્યું કે ત્રીજા લગ્નની નોંધણી ન થઈ શકે તેવી આ કાયદામાં કોઈ જોગવાઈ નથી. ઉલટાનું આ કાયદાની કલમ **7(1)a નો તો હેતુ જ લગ્ન પર્સનલ લો ની જોગવાઈ સાથે સુસંગત હોવાનું સુનિશ્ચિત કરવાનો છે. ખંડપીઠે કહ્યું કે એ બાબતમાં પણ કોઈ વિવાદ નથી કે મુસ્લિમ પર્સનલ લો ની જોગવાઈ અનુસાર મુસ્લિમ પુરુષ એક સાથે ચાર પત્નીઓ રાખવાનો અધિકાર ધરાવે છે.
અદાલતે થાણે કોર્પોરેશનને અરજદાર પાસેથી તમામ દસ્તાવેજો મેળવી તાત્કાલિક સુનાવણી હાથ ધરવા અને દસ દિવસમાં નિર્ણય કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ એ કાર્યવાહી દરમિયાન અરજદારની અલ્ઝરિયન પત્નીને દેશ નિકાલ કરવાની કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તેવી પણ સુચના આપી હતી. વળી અદાલતે એ બાબતે પણ આશ્ચર્ય કર્યું હતું કે કોર્પોરેશન એક તરફથી એક જ લગ્નની નોંધણી થઈ શકે તેવી દલીલ કરે છે પણ આ જ અરજદારે મોરક્કોની મહિલા સાથે કરેલા બીજા લગ્નની નોંધણી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ કરવામાં આવી હતી.