હત્યારો પિતા : મેણાના માર સહન ન થતાં એકની એક દીકરીની ગોળી ધરબી કરી હત્યા, ટેનિસ પ્લેયરના હત્યાનું રહસ્ય વધુ ઘેરું બન્યું
કહેવાય છે કે દુનિયામાં કોઈ શ્રેષ્ઠ સબંધ હોય તો તે છે પિતા અને દીકરીનો. એક પિતા તેની દીકરી માટે કંઇ પણ કરી શકે છે પણ દીકરીની હત્યા કરી શકે છે એવું તો કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. આવી જ એક ઘટના ગુરુગ્રામમાં સામે આવી છે જે સાંભળીને હૈયું હચમચી જશે. સ્ટેટ લેવલની ટેનિસ ખેલાડી યાદવની તેના પિતા દીપક યાદવે ત્રણ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના સેક્ટર-57 સ્થિત તેમના ઘરમાં બની હતી. ઘટનાના દિવસે, જ્યારે રાધિકા રસોડામાં રસોઈ બનાવી રહી હતી, ત્યારે દીપકે પાછળથી ત્રણ ગોળી ચલાવી હતી. એક ગોળી તેના પીઠના નીચેના ભાગમાં અને બે ગોળી તેની છાતીમાં વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હત્યા કરવા પાછળ પિતા દ્વારા એવું કારણ જણાવવામાં આવો રહ્યું છે જે જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

શું છે સમગ્ર ઘટના?
રાધિકા પોતાની ટેનિસ એકેડેમી ચલાવતી હતી. એ આવકમાંથી પોતે ઘર ચલાવતો હોવાના લોકોના મેણા ટોણા સહન ન થતાં પુત્રીને મારી નાખી હોવાનું દીપક યાદવે રટણ કર્યું હતું પણ પોલીસના ગળે એ વાત ઉતરતી નથી.હત્યા પાછળ અન્ય કોઈ કારણ તો નથીને તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાધિકા યાદવ રાષ્ટ્રીય કક્ષાની આશાસ્પદ ટેનિસ ખેલાડી
ગુરુગ્રામના સુશાંત લોક વિસ્તારમાં રહેતી 25 વર્ષીય રાધિકા યાદવ રાષ્ટ્રીય કક્ષાની આશાસ્પદ ટેનિસ ખેલાડી હતી.જો કે ખભાની ઇજાને કારણે તેની કારકિર્દીમાં વિઘ્ન સર્જાયા બાદ તેણે પોતાની ટેનિસ એકેડેમી શરૂ કરી હતી.દરમિયાન ગુરુવારે સવારે 10.30 કલાકે તે પોતાના ઘરે નાસ્તો બનાવી રહી હતી ત્યારે તેના પિતા દીપક યાદવે તેમની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ગોળીબાર કરી સગી દીકરીની હત્યા કરી નાખી હતી.

ગામ લોકોના મેણા-ટોણા સહન ન થાત કરી હત્યા
પોલીસ પૂછપરછમાં દીપક યાદવે એવું કારણ આપ્યું હતું કે તે તેના ગામ વઝીરબાદ જતો ત્યારે ગામલોકો તેને તેની પુત્રીની આવકમાંથી ઘર ચલાવતો હોવાના મેણા મારતા હતા.તેનાથી ત્રાસીને તેણે ઘણી વખત પુત્રીને એકેડેમી બંધ કરી દેવા જણાવ્યું હતું પણ તે ન માનતા આ હત્યા કરી હોવાનો દીપકે ખુલાસો કર્યો હતો.
જો કે પોલીસને આ ખુલાસા સામે શંકા છે.કારણ એ છે કે દીપક યાદવ કરોડોનો આસામી છે.તે વૈભવી ફાર્મ હાઉસ ધરાવે છે. ગુરુગ્રામમાં તેની અનેક મિલકતોની માસિક ભાડાની આવક જ 15 થી 17 લાખ રૂપિયા છે. આ સંજોગોમાં કોઈ તેને ” પુત્રીની આવકમાંથી ” ઘર ચલાવતા હોવાના મેણા મારે એ શક્ય નથી.
આ પણ વાંચો : PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ : 27 દેશોના સર્વોચ્ચ સન્માન મેળવ્યા, વિદેશી સંસદોમા 17 ભાષણ આપી ઇન્દિરા ગાંધી, નહેરુથી નીકળ્યા આગળ
દીકરીની અનેકવિધ પ્રવૃતિથી પિતા નારાજ
પોલીસના જણાવ્યા મુજબ દિપક યાદવે રાધિકાની ટેનિસ કેરિયર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બે લાખ રૂપિયાનું રેકેટ પણ લઈ દીધું હતું.જો કે રાધિકાએ ટેનિસ એકેડેમી શરૂ કરતાં દીપક નારાજ થયો હતો.રાધિકા યાદવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એલ્વિશ યાદવથી પ્રભાવિત હતી અને પોતે પણ એ ક્ષેત્રમાં નામ કાઢવા ઉત્સુક હતી.પોલીસના માનવા મુજબ રાધિકાની વધતી પ્રતિષ્ઠા, આર્થિક સ્વતંત્રતા , ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને એક મ્યુઝિક વીડિયોમાં તેનો દેખાવથી દીપક નારાજ હતા. એ મુદે પરિવારમાં તણાવ ચાલતો હતો. પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી દીપક ખૂબ અપસેટ હતો અને મોટેભાગે પોતાના રૂમની બહાર નીકળતો ન હતો.
પોલીસને પિતા દીપકની કબૂલાત પર શંકા
પોલીસને આરોપીની કબૂલાત પર શંકા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દીપક યાદવની વાર્ષિક આવક લાખોમાં હતી. તે બ્રોકરના વ્યવસાયથી વાર્ષિક 15 લાખ રૂપિયા કમાતા હતા અને ભાડામાંથી પણ દર મહિને 5 થી 10 લાખ રૂપિયા કમાતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામના કેટલાક લોકોએ દીપકને કહ્યું હતું કે તેની પુત્રી જે ઇચ્છે છે તે કરે છે અને તે સારો પિતા નથી. આ પછી, દીપકે રાધિકાને ઘણી વખત તેની ટેનિસ એકેડેમી બંધ કરવા કહ્યું, પરંતુ રાધિકાએ ના પાડી.
પોલીસ સોશિયલ મીડિયા, સંબંધો અને મિત્રોની કરી રહી છે તપાસ
રાધિકા ફિટનેસ, ટેનિસ અને રીલ્સ બનાવતી હતી, જેમાં તેની માતા પણ તેને ટેકો આપતી હતી. પરંતુ તેના પિતાને તેનો આ ઝોક ગમ્યો નહીં. હવે પોલીસ સોશિયલ મીડિયા, સંબંધો અને મિત્રોની તપાસ કરીને વાસ્તવિક કારણ શોધી રહી છે. હવે પોલીસ સોશિયલ મીડિયા પ્રવૃત્તિ, મિત્ર અને પરિવારના સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે હત્યા પાછળ બીજું કોઈ ઊંડું કારણ છે કે નહીં.
આ ઘટના અંગે એસીપી યશવંતે જણાવ્યું હતું કે રાધિકાના સોશિયલ મીડિયા એકાઉન્ટ કોણે ડિલીટ કર્યા તેની તપાસ ચાલી રહી છે. રાધિકા પરિવારને પૂછીને દરેક કામ કરતી હતી. પુત્રીની કમાણી ખાવા બદલ પિતાને બધેથી ટોણા આવતા હતા. જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે હવે કયા કારણોસર દીકરીની હત્યા કરવામાં આવી છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.