રાજકોટના રસ્તા ઉપર પોણા બે કરોડના પટ્ટા લગાવશે મનપા: 1 વર્ષમાં જ ત્રણેય ઝોનના સિગ્નલ સહિતના રસ્તા ઉપર લગાવેલા સફેદ પટ્ટા ભૂંસાયા
રાજકોટના દરેક સિગ્નલ ઉપર, જ્યાંથી નાના-મોટા વાહનો પસાર થતાં હોય તે રસ્તા ઉપર સહિતના સ્થળે સફેદ રંગના પટ્ટા લગાવેલા જોવા મળશે. જો કે આ પટ્ટા લગાવવા પાછળ દર વર્ષે દોઢથી બે કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવાની વિગત પણ સામે આવી છે. એક વર્ષમાં શહેરના લગભગ દરેક વિસ્તારમાંથી સફેદ પટ્ટા (થર્મોપ્લાસ્ટ) ભૂસાઈ જતા ફરીથી કોન્ટ્રાક્ટ આપવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં પાછલા વર્ષ કરતા આ વર્ષે 25 લાખનો વધુ ખર્ચ આવ્યો છે.
શહેરના ઈસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ એમ ત્રણેય ઝોનના 35000 ચોરસમીટર રસ્તા ઉપર સફેદ પટ્ટા લગાવવા માટે મહાપાલિકા દ્વારા 1.75 કરોડનો ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત કરી ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. જો કે આ ખર્ચમાં વધારો પણ થઈ શકે છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીને એક ચોરસમીટર સફેદ પટ્ટો લગાવવાના 422 રૂપિયા ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો :Silver Price: ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો: ઇતિહાસમાં પહેલી વાર ચાંદીનો ભાવ ₹3 લાખને પાર, સોનાએ પણ બનાવ્યો નવો રેકોર્ડ
આ પટ્ટા ટ્રાફિક સિગ્નલ ઉપરાંત મુખ્ય રસ્તાઓ ઉપર જેમાં સ્પીડ બ્રેકર , સેન્ટ્રલ લાઈન, ડિવાઈડર પાસે સહિતના સ્થળે લગાવવામાં આવશે. જો કે એક વર્ષમાં જ આ પટ્ટા ભૂસાઈ જતા હોવાથી દર વર્ષે તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. આ કામનો ગયા વર્ષે દોઢ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો જેમાં આ વર્ષે 25 લાખ રૂપિયાનો વધારો થવા પામ્યો છે.
