સૌથી વધુ ભાવ કસ્તુરબા રોડ, બહુમાળી ભવન ચોક સાઇટના આવ્યાઃ અમદાવાદની વેબપલ્સ એડે સૌથી વધુ 11 સાઇટ માટે ભાવ ભર્યાઃ પાંચ વર્ષ સુધી કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત
મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હોર્ડિંગ માટે સાઈટ તૈયાર કરી તેને ભાડે આપતી હોય છે ત્યારે હવે પાંચ વર્ષ માટે 33 સાઈટ ભાડે આપીને 10 કરોડની કમાણી કરશે. આ સાઈટ ભાડે આપવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત કરાતા આજે ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટી તેના ઉપર નિર્ણય લેશે.
સામાન્ય રીતે આ સાઈટ ત્રણ વર્ષ માટે ભાડે આપવામાં આવતી હતી પરંતુ કોન્ટ્રાક્ટર એજન્સીઓ દ્વારા કોન્ટ્રાક્ટ ત્રણ નહીં બલ્કે પાંચ વર્ષ માટે આપવો જોઈએ કેમ કે હોર્ડિંગ ફિટ કરવા સહિતનો ખર્ચ વધુ આવતો હોવાથી લાંબા ગાળા માટે સાઈટ ભાડે મળે તે જરૂરી છે. આ રજૂઆતને ગ્રાહ્ય રાખતા તંત્રએ સાઈટ ત્રણ નહીં પરંતુ પાંચ વર્ષ માટે આપવાનો નિર્ણય લીધો હતો. આ માટે યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગરોડ, કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે, હોસ્પિટલ ચોક બ્રિજ, ક્રિસ્ટલ મોલ સામે સહિતના વિસ્તારોની હોર્ડિંગ સાઈટ ભાડે આપવામાં આવશે. આ બદલ દર વર્ષે 1.84 કરોડની આવક થશે સાથે સાથે દર વર્ષે 6%નો ઉતરોતર વધારો પણ કરવામાં આવશે.
દરમિયાન સૌથી વધુ ભાવ કસ્તુરબા રોડ, બહુમાળી ભવન ચોક નર્મદા ડેમ મોડેલ પાસેની સાઈટ પરના આવ્યા છે. આ માટે શૈશવ પબ્લીસિટી દ્વારા દર વર્ષે 18.11 લાખનો ભાવ ભર્યો છે. એકંદરે 33માંથી 11 સાઈટ માટે અમદાવાદની વેબપલ્સ એડ, 9 સાઈટ મંત્રા એન્ડ એન્ડ મીડિયા પ્રા.લિ., છ સાઈટ જાઝમીન કંપની, ચાર સાઈટ શૈશવ પબ્લીસિટી, બે સાઈટ વિકાસ આઉટડોર, એક સાઈટ મીનાલ પબ્લીસિટી દ્વારા ભાવ ભરવામાં આવ્યા છે.
