મુંબઈમાં 17 બાળકોને બંધક બનાવવાનો મામલો: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી રોહિત આર્યનું મોત,જાણો શું છે સમગ્ર મામલો
મુંબઈના પવઈ વિસ્તારમાં ગુરુવારે બપોરે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં યુટ્યુબ ચેનલના ઓડીશન માટે 100 જેટલા બાળકોને બોલાવી તેમાંથી 17 બાળકોને બંધક બનાવવામાં આવ્યા હતા અને ધમકી પણ આપવામાં આવી હતી. પોતે આતંકવાદી નથી તેવો ખુલાસો કરનાર રોહિત આર્ય નામના આ શખસે આત્મવિલોપનની ધમકી પણ આપી હતી. જો કે, પોલીસ તેની ધરપકડ કરવા માટે પહોંચી ત્યારે તેણે ગોળીબાર કર્યો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં તેને ગોળી લાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું.
પોલીસને ઘટનાસ્થળેથી એક  એરગન પણ મળી આવી હતી. આ પહેલા એક વિડીયો સંદેશામાં રોહિત આર્ય નામના આ શખસે  કહ્યું હતું કે, મારો ઈરાદો ખરાબ નથી પણ મારી કેટલીક માંગણી સંતોષવામાં આવે. જો આમ નહી થાય તો બાળકોને નુકસાન થઇ શકે છે. આ ઘટના બાદ દોડી ગયેલી પોલીસે બુદ્ધિપૂર્વક પ્લાન કરીને તમામ બાળકોને સહીસલામત છોડાવ્યા હતા અને યુટ્યુબરની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, તેણે ગોળીબાર કરતા પોલીસે વળતો પ્રહાર કર્યો હતો અને તેનું એનકાઉન્ટર કરી નાખ્યું હતું. લગભગ ત્રણથી ચાર કલાક ચાલેલા આ ડ્રામાને લીધે અનેક વાલીઓ અને પોલીસ તંત્રનો જીવ ઉંચો થઇ ગયો હતો.
આ સમગ્ર ઘટના અંગેની વિગત અનુસાર, પવઈણા આર.એ સ્ટુડિયોમાં રોજ અનેક બાળકો માટે એક્ટિંગના ક્લાસ અને ઓડીશન યોજવામાં આવે છે. આજે પણ 100 જેટલા બાળકો ઓડીશન માટે ગયા હતા. આ દરમિયાન આ જ સ્ટુડિયોણા કર્મચારી અને યુ ટ્યુબ ચલાવતા રોહિત આર્યએ 80 જેટલા બાળકોને જવા દીધા હતા અને બાકીના 17 જેટલા બાળકોને સ્ટુડિયોમાં જ બળજબરીથી રોકી રાખ્યા હતા.
સંયુક્ત કમિશનર સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે રોહિત આર્યાએ આ દરમિયાન એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો જેમાં તે પોતે બાળકોનું અપહરણ કરનાર હોવાનું કબૂલીને કહ્યું કે, આ કૃત્ય એક યોજનાનો ભાગ છે. રોહિતનો દાવો હતો કે કેટલાક લોકો સાથે વાતચીત કરાવવા માટે તેણે બાળકોને બંધક બનાવ્યા હતા.
આ પણ વાંચો : ફેસલેસ સિસ્ટમથી વિલંબ: ગુજરાતમાં 3 લાખ કરોડ ઇન્કમટેક્સનાં વિવાદમાં અટવાયા!
આરોપીએ કહ્યું કે, ‘ન તો હું આતંકવાદી છું, ન તો મારી પૈસાની કોઈ માંગણી છે. મારે અમુક સવાલો કરવાના છે અને આ જ કારણોસર મેં અમુક બાળકોને બંધક બનાવ્યા છે. મેં આ બાળકોને એક યોજના હેઠળ જ બંધક બનાવ્યા છે. આ વિચારપૂર્વકનું પગલું છે. હું બાળકોને બંધક બનાવવા જઈ રહ્યો છું. જો હું જીવતો રહ્યો તો ચોક્કસ કરીશ અને જો મરી ગયો તો કોઈ બીજું કરશે, પણ આ થશે જરૂર.’
આરોપીએ વધુમાં કહ્યું કે, ‘જો તમારી તરફથી જરા પણ ખોટું પગલું ભરવામાં આવ્યું, તો હું આખી જગ્યાને આગ લગાવી દઈશ અને પછી હું મરી જઈશ. હું મરું કે ન મરું, બાળકો વગર કારણે હર્ટ થશે અને આઘાતગ્રસ્ત થશે. તેનો જવાબદાર હું નહીં હોઉં. તેનો જવાબદાર તે લોકો હશે, જેઓ વગર કારણે મને ઉશ્કેરી રહ્યા છે, જ્યારે હું માત્ર વાત કરવા માંગુ છું.’
વિડીયો સંદેશમાં, આરોપીએ એવો પણ દાવો કર્યો હતો કે “હું એકલો નથી. મારી સાથે ઘણા લોકો છે. હું વાત કરીશ અને ઉકેલ લાવીશ.
પોલીસે કહ્યું હતું કે, ઘટનાસ્થળે એક એરગન અને કેટલાક રસાયણો પણ મળી આવ્યા છે. આરોપી એકલો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રૂમમાં બે અન્ય લોકો હતા, જેમાં એક વૃદ્ધ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
સરકારી કોન્ટ્રાકટના રૂપિયા કઢાવવા કારસો કર્યો
રોહિત આર્યએ બાળકોને બંધક શા માટે બનાવ્યા હતા તે અંગે પોલીસે સત્તાવાર રીતે કોઈ વિગત આપી નથી પરંતુ સુત્રો અનુસાર, શિવસેનાની સરકાર વખતે તેને સરકારી શાળાનો કોઈ કોન્ટ્રાકટ મળ્યો હતો અને તેના પૈસા બાકી હતા. સરકારમાંથી પોતાના પૈસા કઢાવવા માટે તેણે ભરપુર પ્રયાસો કર્યા હતા પરંતુ કોઈ જવાબ મળતો ન હતો.આ કારણોસર તે પરેશાન રહેતો હતો અને આપઘાત કરવાનો વિચાર પણ આવ્યો હતો. અંતે તેના દિમાગમાં બાળકોને બંધક બનાવીને પોતાની માંગ સંતોષવા માટેનો વિચાર આવ્યો હતો અને તેણે અંજામ આપ્યો હતો.
 
         
			 
		 
         
  
  
  
 
 
     
                                     
                                     
		         
		         
		        