બોટ દુર્ઘટના સમયના મ્યુ. કમિશનરને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે : હાઇકોર્ટ
રાજકોટ પછી હવે વડોદરાની હરણી બોટ દુર્ઘટનામાં સરકારને ફટકારતી હાઇકોર્ટ
શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીનાં અહેવાલ ઉપર નારાજગી વ્યક્ત કરી : ૪ જુલાઈએ થશે સુનાવણી
વડોદરામાં 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી લેક ખાતે શાળાના પ્રવાસમાં આવેલા બાળકોમાંથી બોટ પલટી જવાથી 12 બાળકો સહિત 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા જે મામલે આજે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી.. સુનાવણી દરમિયાન શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા સમિતિનો રિપોર્ટ સીલ બંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો
હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે કોટિયા મેસર્સને અપાયેલા કોન્ટ્રાક્ટ અંગે એક રિપોર્ટ માગ્યો હતો જે રિપોર્ટ આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી દ્વારા સીલ બંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ ચીફ જસ્ટીસે વાંચ્યા બાદ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં હાજર થયેલા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને કહ્યું હતું કે આ સમિતિના રિપોર્ટ પરથી એવું લાગી રહ્યું છે કે દુર્ઘટના સમયના વડોદરા મનપા કમિશનરને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ આજે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીએ કોટિયા મેસર્સને એક વખત ટેન્ડર રિજેક્ટ થયા બાદ પણ બીજા ટેન્ડરમાં કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાયો તે અંગે વિસ્તૃત તપાસ કરી રીપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો જે રિપોર્ટ આજે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો… રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોટિયા મેસર્સ આર્થિક અને ટેકનિકલ રીતે સક્ષમ ન હોવાથી પહેલી વખતે ટેન્ડર નહોતું આપવામાં આવ્યું . જ્યારે બીજી વખતની ટેન્ડર પ્રક્રિયામાં કોટિયા મેસર્સે અન્ય કોઈ કંપનીનો વર્ક એક્સપીરિયન્સ બતાવી અને કન્સલ્ટન્સી બતાવી કોન્ટ્રાક્ટ મેળવી લીધો હતો… કોટિયા મેસર્સને કોન્ટ્રાક્ટ આપવા માટે ટેકનીકલ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને એ રિપોર્ટ પર તત્કાલીન મનપા કમિશનર દ્વારા સહી કરવામાં આવી હતી.. રિપોર્ટમાં મનપા કમિશનરની જવાબદારી ફિક્સ કરવાના બદલે સિનિયર અધિકારીઓને કોન્ટ્રાક્ટ આપતા પહેલા અને સહી કરતા પહેલા સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.
હાઈકોર્ટ સમક્ષ રજૂ થયેલા રિપોર્ટ પર ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કમિટીનો રિપોર્ટ વાંચતા લાગી રહ્યું છે કે કમિટી એ સમયના મનપા કમિશનરને બચાવવા પ્રયાસ કરી રહી છે… જે પ્રમાણેના શબ્દોનો ઉપયોગ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે સમગ્ર દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાકટર પર ઢોળવાનો પ્રયાસ થઇ રહ્યો છે… જો અમે આ રિપોર્ટ ધ્યાનમાં લઈશું તો પ્રિન્સિપલ સેક્રેટરીની પણ મુશ્કેલી વધશે..જો સરકારનો આ પ્રકારનો એપ્રોચ રહેશે તો બધા માટે મુશ્કેલી ઊભી થશે.સુનાવણીના અંતે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સીલ બંધ કવરમાં રજૂ કરવામાં આવેલા રીપોર્ટની એક કોપી એડવોકેટ જનરલને સોંપવા આદેશ કરવામાં આવ્યો છે.. સમગ્ર મામલે વધુ સુનાવણી 4 જુલાઈના હાથ ધરાશે