માતાની જુબાની અને લોહીના નિશાન બન્યા મજબૂત પુરાવાઃ પુત્રની હ*ત્યા કરનાર પિતાને આજીવન કેદ,જાણો શું છે મામલો
જસદણના કનેસરા ગામે યુવકની તેના પિતાએ જ લાકડી ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દીધી હતી 55 વર્ષીય આરોપી બટુક ચનાભાઈ કુકડીયા રખડતો ભટકતો અને હમેંશા દીકરાઓ પાસેથી પૈસાની માંગણી કરતો આ બાબતે ઝઘડો થતાં પુત્રની હત્યા કરી હોય ત્યારે આ કેસમાં માતાની જુબાની અને એફ.એસ.એલ. રિપોર્ટમાં સામે આવેલા લોહીના મજબૂત પુરાવાઓને આધારે અદાલતે આરોપી પિતાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની હકિકત મુજબ, ગત તા. 09/03/2023ના રોજ જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતા મહેશ બટુકભાઈ કુકડીયા (ઉ.વ. 31) પોતાની વાડીએ પાણી વાળવા ગયા હતા. મોડી રાત્રે તેના પિતા બટુક ચનાભાઈ કુકડીયાએ કૌટુંબિક વિખવાદ અને પૈસાની અવારનવાર થતી માંગણીના કારણે પુત્ર મહેશ પર લાકડી વડે ઘાતકી હુમલો કરી તેને મોતના ઘાટ ઉતારી દીધો હતો. બીજા દિવસે સવારે જ્યારે મહેશની માતા રેખાબેન વાડીએ પહોંચ્યા ત્યારે લોહીલુહાણ હાલતમાં પુત્રની લાશ મળી આવી હતી. આ કેસમાં પત્ની રેખાબેને જ પોતાના પતિ બટુક વિરુદ્ધ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો :સ્થળ પર હાજરી,પહેરેલા કપડાં,સાક્ષીઓના નિવેદનઃ પેંડા-મરઘા ગેંગ વિરુધ્ધ ચાર્જશીટ તૈયાર,ગુજસીટોક હેઠળ આકરી સજા થાય તેવા તમામ પૂરાવા સામેલ કરાયા
તેમણે આક્ષેપ કર્યો હતો કે બટુકભાઈ રખડતું ભટકતું જીવન જીવતા અને અવારનવાર પૈસા માટે પુત્રો સાથે ઝઘડો કરી હેરાન કરતા હતા, જેના કારણે તેમણે જ આ હત્યા કરી છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું આ કેસમાં જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ ધારદાર રજૂઆતો કરતા જણાવ્યું હતું કે, મૃતક મહેશ અને આરોપી બટુકભાઈ બંનેનું બ્લડ ગ્રુપ ‘એ’ હતું. આરોપીએ પોલીસ તપાસ દરમિયાન જે લાકડી કાઢી આપી હતી, તેના પર પણ ‘એ’ ગ્રુપનું જ લોહી મળી આવ્યું હતું.જો આરોપીએ હત્યા ન કરી હોય તો તેને લોહીવાળી લાકડી ક્યાં છુપાવી છે તેની ખબર હોઈ શકે નહીં.
બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે કોઈ નજરે જોનાર સાક્ષી નથી, પરંતુ કોર્ટે સંજોગોલક્ષી પુરાવા અને માતાની જુબાનીને સર્વોપરી ગણી આરોપીને કડક સજા ફટકારી છે.અદાલતે નોંધ્યું હતું કે, જ્યારે પત્ની પોતે પોતાના પતિ સામે પુત્રની હત્યાનો આક્ષેપ કરતી હોય ત્યારે તેને નકારવા માટે કોઈ ઠોસ કારણ નથી. જેથી બંને પક્ષકારોની વિગતવાર દલીલો અને રજૂઆતોને અંતે અદાલતે આરોપી બટુક કુકડિયાને આજીવન કેદની સજા તેમજ 25,000 નો દંડ ફટકાર્યો છે.
