40%થી વધુ IT રિટર્ન ફાઇલ કરવાનાં બાકી : આ છે છેલ્લી તારીખ, આ 5 સ્ટેપ ફોલો કરીને જાતે જ ભરો ઓનલાઈન IT રિટર્ન
ચાલું નાણાંકીય વર્ષનાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ માટે હવે 5 દિવસ વધ્યાં છે ત્યારે દેશભરમાંથી આ મુદત આગળ વધારવામાં સી.એ. ટેક્સ તજજ્ઞો અને વેપારી એસો.એડીચોટીનું જોર લગાવી રહ્યા છે,સીબીડીટી સમક્ષ રજૂઆતોનો ધોધ વહયો છે.આજની તારીખે 13.35 કરોડ કરદાતાઓમાંથી હજુ 4.90 કરોડ લોકોએ જ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે તો આગામી 5 દિવસમાં40%થી વધુ કરદાતાઓ કેમ રિટર્ન ફાઇલ કરી શકશે..? તેવા સવાલો વચ્ચે છેલ્લી ઘડીએ નિયત મર્યાદામાં વધારો થાય તેવી શક્યતાઓ છે.

15 સપ્ટેમ્બરની સમયમર્યાદા પહેલા થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આવકવેરા વિભાગના પોર્ટલ ડેટા નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલિંગમાં ધીમી ગતિ દર્શાવે છે, જ્યારે મુદત લંબાવવાની માંગણીઓ જોરશોરથી થઈ રહી છે.7 સપ્ટે. સુધીમાં 13.35 કરોડ નોંધાયેલા વ્યક્તિગત વપરાશકર્તાઓમાંથી માત્ર 4.90 કરોડ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત સહિત દેશભરમાંથી વેપાર અને વ્યાવસાયિક સંસ્થાઓએ વિલંબ અને તકનીકી સમસ્યાઓનો ઉલ્લેખ કરીને, ફાઇલિંગ તારીખ લંબાવવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ને રજુઆત કરી છે.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, સુરત (CAAS)એ ITR યુટિલિટીઝના વિલંબિત પ્રકાશન અને વારંવાર પોર્ટલમાં થતી ખામીઓને મુખ્ય ચિંતાઓ ગણાવી હતી.
બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટી (BCAS) એ CBDT ને પત્ર લખીને ITR ફાઇલિંગ, ટેક્સ ઓડિટ અને ટ્રાન્સફર પ્રાઇસિંગની સમયમર્યાદા વધારવાની માંગ કરી હતી, જેમાં વણઉકેલાયેલી સિસ્ટમ ભૂલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડવોકેટ્સ અને કન્સલ્ટન્ટ્સનું પ્રતિનિધિત્વ કરતી ટેક્સ બાર એસોસિએશન દ્વારા વાર્ષિક માહિતી નિવેદન (AIS), કરદાતા માહિતી સારાંશ (TIS) અને ફોર્મ 26AS માં સતત મેળ ખાતી ન હોવાની જાણ કરવામાં આવી. તેઓએ વારંવાર લોગિન નિષ્ફળતા અને સમયસમાપ્તિની પણ જાણ કરી છે.
આ રીતે ભરો ઓનલાઈન IT રિટર્ન
સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા
- ITR ફાઇલ કરવા માટે, પહેલા ફોર્મ 16, ફોર્મ 26AS, AIS, બેંક સ્ટેટમેન્ટ અને રોકાણ પુરાવા જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો.
- સ્ટેપ 1: આવકવેરા પોર્ટલ incometax.gov.in પર લોગિન કરો.
- સ્ટેપ 2: યોગ્ય ફોર્મ પસંદ કરો – ITR-1 (સહજ) પગારદાર લોકો માટે છે જેમની આવક રૂ. 50 લાખ સુધીની છે.
- સ્ટેપ 3: પહેલાથી ભરેલા ડેટાને કાળજીપૂર્વક તપાસો અને જો જરૂરી હોય તો એડિટ કરો.
- સ્ટેપ 4: ડિડક્શન અને મુક્તિનો લાભ લો, જેમ કે કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની મુક્તિ, આરોગ્ય વીમા પર 80D અને હોમ લોન વ્યાજ પર કર લાભો.
- સ્ટેપ 5: બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી, આધાર OTP, નેટ બેંકિંગ અથવા ડીમેટ એકાઉન્ટ સાથે સબમિટ કરો અને ઇ-વેરિફાઇ કરો.
ગત વર્ષે જુલાઈ સુધીમાં 7.70 કરોડ કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યું હતું..!!
ગયા વર્ષે જુલાઈ અંત સુધીમાં 7.70 કરોડ કરદાતાઓએ આઈ ટી આર ફાઇલ કરી દીધું હતું જેની સામે આ વર્ષે 4.90 કરોડ રિટર્ન ફાઇલ કરી શક્યા છે તો 5 દિવસમાં બાકીના 3 કરોડ કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવા માટે સફળ થશે કે કેમ..? તે અંગે સવાલો ઉભા થયાં છે.જાણીતાં સી.એ.કલ્પેશ પારેખએ જણાવ્યું હતું કે,5 દિવસમાં દરરોજનાં 50 લાખ રિટર્ન ફાઇલ થાય તો જ આ શક્ય બને..!! જો કે આટલો લોડ એક સાથે અસંભવ છે.ગયા વર્ષે મુદતનાં અંતિમ દિવસે એક સાથે 60 લાખ રિટર્ન ફાઇલ થયાં હતાં.આ વખતે પ્રબળ રજૂઆતો થઈ છે એટલે આશા છે કે સંભવ 15 દિવસ જેટલો સમય સીબીડીટી વધારી આપે તેવી માંગણી ઉઠી છે.
