આજથી સંસદમાં મોનસૂન સત્ર : વિપક્ષી વાદળ ઘેરાયા; સંસદમાં સાંબેલાધારે સવાલનો સંકેત,હોબાળાની શક્યતા
સંસદના ચોમાસુ સત્રનો આજે પ્રારંભ થવા જઈ રહ્યું છે જો કે સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા જ વિપક્ષી વાદળો ઘેરાઈ ગયા હતા અને સંસદમાં સાંબેલાધારે વરસી પડવાનો સંકેત મળી ગયો હતો. રવિવારે સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે બિહારમાં મતદાર યાદી સુધારણા, પહેલગામ આતંકવાદી હુમલો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓ સહિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સરકારે ગૃહના સુચારુ સંચાલન માટે વિપક્ષ પાસેથી પણ સહયોગ માંગ્યો હતો.

જસ્ટિસ વર્માના મુદ્દા પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે તમામ પક્ષો સાથે મળીને ચર્ચા કરશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ઓપરેશન સિંદૂર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો કે કોંગ્રેસે એવી માંગ કરી છે કે પહેલગામ આતંકી હૂમલા અંગે વડાપ્રધાને સંસદમાં જવાબ આપવો જોઈએ.
સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં 51 પક્ષો ઉપરાંત, સ્વતંત્ર અને નાના પક્ષોના 56 લોકોએ ભાગ લીધો હતો. તેમાં 40 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેમણે કહ્યું, “બેઠક દરમિયાન, અમે કહ્યું કે દરેકે સાથે મળીને કામ કરવું પડશે, ગૃહને સુચારુ રીતે ચલાવવાની જવાબદારી દરેકની છે, વિપક્ષ અને સરકારની.” તેમણે કહ્યું, “અમે ખુલ્લા દિલે ચર્ચા કરવા તૈયાર છીએ. અમે ગૃહની કાર્યવાહી અંગેના નિયમો અને પરંપરાઓનું પાલન કરીશું.”

ઓપરેશન સિંદૂર પર પીએમના નિવેદનની માંગ પર તેમણે કહ્યું કે વડાપ્રધાન સત્ર દરમિયાન હંમેશા ગૃહમાં હોય છે સિવાય કે તેઓ વિદેશ કે રાજ્યના પ્રવાસ પર હોય. પ્રશ્નોત્તરીના દિવસોમાં ગૃહમાં હોય છે. તેઓ એવા પીએમ છે જે ગૃહમાં સૌથી વધુ રહે છે.
આ પણ વાંચો : રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “હંમેશા વડાપ્રધાનને ખેંચવા યોગ્ય નથી. મંત્રીમંડળ સામૂહિક જવાબદારી પર ચાલે છે. અમે પહેલગામ સહિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ. સરકાર ચર્ચાથી ભાગી રહી નથી પરંતુ આ માટે નિયમો અને પરંપરાઓ પણ છે. તે અંતર્ગત, અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ.”
જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ
જસ્ટિસ વર્માના મુદ્દા પર, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે જસ્ટિસ વર્માને દૂર કરવાના મહાભિયોગ પ્રસ્તાવ પર તમામ પક્ષો સાથે મળીને ચર્ચા કરશે અને આ મુદ્દા પર આગળ વધશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ પાસેથી જસ્ટિસ વર્મા અંગે 100 થી વધુ સહીઓ એકત્રિત કરવામાં આવી છે. આ સત્રમાં જ પ્રસ્તાવ મુકાશે.
