“મા, મેં કુરકુરેનું પેકેટ નથી ચોર્યું..” દુકાનદારે જાહેરમાં માર મારતાં માસૂમ બાળકે ચીઠ્ઠી લખી કર્યો આપઘાત
પશ્ચિમ બંગાળના મેદીનીપુર જિલ્લામાં એક દુકાનમાંથી કુરકુરેનું પેકેટ ચોર્યું હોવાનો આરોપ મૂકી દુકાનદારે જાહેરમાં માર મારી અપમાનિત કરતા સાતમા ધોરણમાં અભ્યાસ કરતા 12 વર્ષના બાળકે વ્યથિત થઈને આપઘાત કરી લીધો હતો. એ બાળકે તેની આખરી ચીઠ્ઠી તેની માતાને સંબોધીને લખી હતી જેમાં પોતે પેકેટ ન ચોર્યુ હોવાનું જણાવ્યું હતું.
આ અત્યંત કરુણ ઘટનાની વિગત એવી છે કે કૃષેન્દુ દાસ નામનો 12 વર્ષનો બાળક એક દુકાનમાં કુરકુરેનું પેકેટ લેવા ગયો હતો. તે સમયે દુકાનમાં કોઈ ન હોવાને કારણે તેણે પ્રતીક્ષા કરી હતી. દુકાનદારને બોલાવવા માટે તેણે બૂમ પણ મારી હતી. એ દરમિયાન તેણે કુરકુરે નું એક પેકેટ હાથમાં લીધું ત્યારે જ શુભાંકર દીક્ષિત નામનો દુકાન માલિક ત્યાં આવી ગયો હતો. શુભાંકરે
સીધો જે બાળક ઉપર ચોરીનો આરોપ લગાવી તેને તમાચા લગાવી દીધા હતા અને જાહેરમાં ઊઠબેસ કરાવી હતી.એટલું જ નહીં તેની માતાને પણ બોલાવી અને અપમાનિત કર્યા હતા. એ ઘટના બાદ ઘરે જઈ એ બાળક રૂમમાં પુરાઈ ગયો હતો અને ત્યાં તેણે જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. તેને હોસ્પિટલે ખસેડાયો પણ તે પહેલા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતુ
મા હું ચોર નથી..માસૂમ બાળકે મરતા પહેલા લખ્યું
આપઘાત કરતા પહેલા એ બાળકે તેની માતાને સંબોધીને છેલ્લો સંદેશો લખ્યો હતો,” મા , હું ચોર નથી.મેં ચોરી ન્હોતી કરી.અંકલ ( દુકાનદાર ) આસપાસમાં ક્યાંય ન્હોતા.મેં તેમની ખૂબ રાહ જોઈ. હું બહાર નીકળતો હતો ત્યારે રસ્તા પર કૂરકુરે નું પેકેટ પડ્યું હતું અને મેં ઉપાડી લીધું. મને કુરકુરે ખુબ ભાવે છ.. ” તેણે આગળ લખ્યું હતું,” હું સદા માટે જાઉં છું તે પહેલાના આ મારા આખરી શબ્દો છે. આપઘાતના કૃત્ય બદલ, મા મને માફ કરજે.”
