મોહન ભાગવતને હિન્દુઓની પીડાની લગીરેક અનુભૂતિ નથી: શંકરાચાર્ય
મંદિર મસ્જિદ વિવાદ અટકાવવાની સલાહ આપનાર આરએસએસ ના વડા મોહન ભાગવત સામે હવે ચાર પૈકીના એક શંકરાચાર્યએ પણ મોરચો માંડ્યો છે. શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદે મોહન ભાગવતનું નિવેદન સ્વીકાર્ય ન હોવાનું જણાવ્યું હતું.
આ મુદ્દે આ અગાઉ પણ મોહન ભાગવતની ટીકા કરનાર શંકરાચાર્યજીએ વધુ એક નિવેદનમાં કહ્યું કે હિન્દુઓના અનેક મંદિરો તોડી પાડવામાં આવ્યા છે તે સત્ય હકીકત છે. પણ મોહન ભાગવતને હિન્દુઓની પીડા ની અનુભૂતિ નથી. તેમણે જે નિવેદન આપ્યું તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેઓ હિન્દુઓની દુર્દશા સમજી શક્યા નથી.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે મોહન ભાગવતે કેટલાક તત્વો હિન્દુ સમાજના નેતા બનવા માટે દરરોજ નવી જગ્યા માટે વિવાદ ઊભો કરતા હોવાની ટીકા કરી હતી અને એવા વિવાદો સ્વીકાર્ય ન હોવાનું જણાવ્યું હતું.
તેમના આ નિવેદનનો અખિલ ભારતીય સંત સમાજ તેમ જ જગતગુરુ રામભદ્રાચાર્ય સહિત અનેક સંતોએ વિરોધ કર્યો હતો. સંતોએ મોહન ભાગવતને ધાર્મિક બાબતો અંગે નિર્ણય લેવાથી દૂર રહેવા જણાવ્યું હતું. અને હવે શંકરાચાર્યએ પણ એ જ હેતુની ટિપ્પણી કરતા મામલો ગંભીર બન્યો છે.
બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે મોહન ભાગવત બેવડા માપદંડ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. અખિલેશ યાદવે આરએસએસના વડાને મંદિર મસ્જિદ વિવાદ અટકાવવાની સલાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે મોહન ભાગવત જો યોગી આદિત્યનાથને એક ફોન માત્ર કરશે તો પણ સર્વેની માંગણીઓ બંધ થઈ જશે અને વિવાદ અટકી જશે.