મોદી સરકારની નવા વર્ષે ખેડૂતોને ૭૦ હજાર કરોડની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે નવા વર્ષ પર બુધવારે ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો હતો. મોટી રાહતો આપી હતી. કેન્દ્રીય કેબિનેટે પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનામાં સુધારાની મંજૂરી આપીને તે માટેનું બજેટ વધાર્યું છે જેને કારણે કરોડો ખેડૂતોને તેનો ફાયદો થશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા માટે 69515 કરોડનું ફંડ ફાળવાયુ છે જેમાં કુદરતી આફતો અને પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે. પ્રીમિયમ દર 16 ટકાથી ઘટાડીને 11 ટકા કરવામાં આવ્યો છે.
ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં થાય અને ૫૦ કિલોની થેલી રૂપિયા ૧૩૫૦માં ખેડૂતોને મળતી રહેશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના ૨૦૨૫-૨૬ સુધી ચાલુ જ રાખવાની કેબિનેટે મંજૂરી આપી દીધી હતી.
ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ફંડની સ્થાપના
કેબિનેટે પાક વીમા યોજનાના અમલીકરણમાં પારદર્શિતા વધારવા અને દાવાની ગણતરી અને પતાવટમાં મોટા પાયા પર ટેકનોલોજીના ઉપયોગને પણ મંજૂરી આપી છે. સરકાર 824.77 કરોડ રૂપિયાના ભંડોળ સાથે ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ફંડની સ્થાપના કરશે.
ખાતર પર સબસિડી
નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. વાસ્તવમાં સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે. આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે. ડીએપી ખાતર નું ઉત્પાદન કરતી કંપનીઓને આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકાર નાણાકીય સહાય પણ આપશે.