મોદી સરકારનો મોટો નિર્ણય : 2028 સુધી દેશના 81 કરોડ ગરીબોને મળતું રહેશે મફત અનાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટે મફત અનાજ વિતરણને 4 વર્ષ સુધી વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર હવે 2028 સુધી ગરીબોને મફત અનાજ આપશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કોરોનાના સમયગાળાથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને મફત અનાજ આપી રહી છે. હવે ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને 2028 સુધી ચાલુ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવાની પણ મંજૂરી આપી છે.
લોથલ પ્રોજેક્ટને પણ મંજૂરી મળી ગઈ
કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી લોથલ પ્રોજેક્ટ વિશે વધુ બોલતા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘પ્રસ્તાવનો ઉદ્દેશ સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવાનો છે અને વિશ્વના સૌથી મોટા દરિયાઈ હેરિટેજ સંકુલનું નિર્માણ કરવાનો છે.’ જણાવ્યું હતું કે, ‘આજે કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ જુલાઈ, 2024 થી ડિસેમ્બર, 2028 સુધી મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તેનાથી એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ઓછી થશે. આ યોજનામાં કેન્દ્ર સરકારનો કુલ નાણાકીય ખર્ચ રૂ. 17,082 કરોડ થશે અને 100 ટકા ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.
ગુજરાતના લોથલમાં બનાવાશે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં માહિતી આપી હતી કે, આજે કેબિનેટે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવાની મંજૂરી આપી છે. દરખાસ્તનો ઉદ્દેશ સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસો પ્રદર્શિત કરવાનો અને વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ હેરિટેજ સંકુલનું નિર્માણ કરવાનો છે. મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ 15,000 પ્રત્યક્ષ રોજગાર અને 7,000 પરોક્ષ રોજગારીનું સર્જન કરશે.
રાજસ્થાન-પંજાબના સરહદી વિસ્તારોમાં રોડ નેટવર્ક મંજૂર
કેન્દ્રીય કેબિનેટના ત્રીજા મુખ્ય નિર્ણય અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે. આજે કેબિનેટે 4,406 કરોડ રૂપિયાના રોકાણ સાથે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રોડ નેટવર્કના નિર્માણને મંજૂરી આપી છે. તેનાથી કનેક્ટિવિટી, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકા પર મોટી અસર પડશે.