મોદી સરકાર કઈ યોજનાના વ્યાજ દર વધારી શકે છે ? વાંચો
કેન્દ્રની મોદી સરકાર ટૂક સમયમાં જ નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરી શકે છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા પોતાની ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે અને 30 જૂન સુધી ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દરોની સમીક્ષા કરી શકે છે.
આ માટેની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકાય છે તેમ માનવામાં આવે છે. આ વખતે સરકાર નાના રોકાણકારોને રાહત આપી શકે છે અને તે માટે તૈયારી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા પણ નાણાં મંત્રાલય દ્વારા એવો સંકેત અપાયો હતો કે વ્યાજ દરમાં વધારો થશે.
વર્તમાનમાં સરકાર પોસ્ટ ઓફિસ બચત યોજના, પીપીએફ, સુકન્યા, વરિષ્ઠ નાગરિક અને રાષ્ટ્રીય બચત પત્ર સહિત કૂલ 12 પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવી રહી છે. સરકાર દર 3 મહિને દરની સમીક્ષા કરે છે. રોકાણકારોને લાંબી અવધિમાં વધુ લાભ આપવાનો સરકારનો હેતુ હોય છે.
વર્ષ 2023-24 ના અંતિમ ત્રિમાસિક ભાગમાં સરકારે બે યોજનાઓ માટે વ્યાજ દરમાં વધારો કર્યો હતો. જેમાં સુકન્યા સમૃધ્ધિ યોજનાનો પણ સમાવેશ થાય છે. તેમાં 8 ટકાથી વધારો કરીને 8.20 ટકા દર કરવામાં આવ્યો હતો. પીપીએફ દરોમાં 4 વર્ષથી કોઈ સુધારો કરાયો નથી.
ટૂક સમયમાં જ સરકાર નાની બચત યોજનાના રોકાણકારોને રાજી કરી શકે છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. નાણામંત્રી દ્વારા આ બારામાં બેઠકો થઈ રહી છે અને કઈ યોજનામાં પ્રાથમિકતા આપી શકાય છે તે અંગે ચર્ચા થઈ રહી છે.