પરિણામ પહેલા જ આગામી પાંચ વર્ષનો વિકાસનો રોડ મેપ તૈયાર કરવા મંત્રીઓને આદેશ
આવો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અદ્દભુત આત્મવિશ્વાસ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લાંબી ચર્ચા કરી: સરકાર રચાઇ ગયા બાદ પ્રથમ 100 દિવસની કાર્ય યોજના પણ મંત્રીઓએ તૈયાર કરવી પડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચુંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ ભારે આત્મ વિશ્વાસનું પ્રદર્શન કરીને પોતાના તમામ મંત્રીઓને નવી સૂચનાઓ આપી હતી. વડાપ્રધાને રવિવારે કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી અને 100 દિવસ માટે કાર્ય યોજના અને આગામી પાંચ વર્ષ માટે રોડ મેપ તૈયાર કરવાનો નિર્દેશ કર્યો હતો.
વડાપ્રધાને મંત્રીઓને કહ્યું હતું કે, તેઓ પોતાના અધિકારીઓ અને સચિવો પાસેથી પોતાના મંત્રાલયના 100 દિવસની કામગીરી અને પાંચ વર્ષના રોડ મેપને તૈયાર કરાવે. એનડીએની સરકાર જ પાછી સત્તામાં આવી રહી છે માટે વિકાસના કામો સતત ચાલુ રહેવા જોઈએ.
એમણે કહ્યું હતું કે, સરકાર નવેસરથી રચાઇ ગયા બાદ પ્રથમ 100 દિવસમાં કાર્ય યોજનાનો અમલ કેવી રીતે થાય તેનો પણ રોડ મેપ તૈયાર કરવો પડશે. લોકસભાની ચુંટણી જાહેર થઈ અને તેના બીજા જ દિવસે વડાપ્રધાને કેબિનેટની બેઠક બોલાવી હતી અને તેમા લાંબી ચર્ચા મંત્રણા સાથે મંત્રીઓને આગામી પાંચ વર્ષના વિકાસને ધ્યાનમાં રાખવાની સૂચના આપી હતી. સરકાર રચાઇ ગયા બાદ તરત જ બધાએ કામે લાગી જવું પડશે.