લાખો સરકારી કર્મીઓને બખ્ખા થઈ જશે
યુનિફાઇડ પેન્શન સિકમનું જાહેરનામું બહાર પડ્યું : 10 વર્ષ સુધી નોકરી કરનારને રૂપિયા 10 હજાર પેન્શન મળશે : જૂનીમાંથી નવી સ્કીમમાં શામેલ થવાની પણ તક
સરકાર દ્વારા થોડા સમય પહેલા જાહેર કરાયેલી યુનિફાઇડ પેન્શન યોજના 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવી રહી છે . શનિવારે કેન્દ્ર સરકારે તે માટેનું ગેઝેટ જાહેર કર્યું હતું. આ અંતર્ગત, 10 વર્ષ સુધી સરકારી નોકરી કરનાર વ્યક્તિને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. ૨૫ વર્ષ સુધી કામ કરનાર વ્યક્તિને સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે. જો રાજ્ય સરકારો આ સ્કીમનો સ્વીકાર કરે તો 60 લાખથી પણ વધુ કર્મીઓને લાભ મળી શકે છે . કેન્દ્રના લાખો કર્મીઓને આ સ્કીમનો લાભ મળશે .
જો કોઈ કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થાય છે, તો તેની પત્નીને 60 ટકા પેન્શન આપવામાં આવશે. જો કોઈ કર્મચારી 25 વર્ષ સુધી કામ કરે છે, તો નિવૃત્તિ પહેલાના છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના ઓછામાં ઓછા 50 ટકા પેન્શન તરીકે આપવામાં આવશે.
બધા એનપીએસ ધારકોને યુપીએસ પર જવાનો વિકલ્પ મળશે. આ માટે સરકાર બાકી રકમ ચૂકવશે. 2004 થી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ આ લાભ મળશે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું હતું કે જો રાજ્ય સરકાર યુપીએસ લાગુ કરવા માંગે છે તો તેઓ પણ તેનો અમલ કરી શકે છે.
ઓલ્ડ પેન્શન સ્કીમ પર વિપક્ષ દ્વારા રાજનીતિ કરવામાં આવી રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે તે બંધ કરાવવા માટે પણ આ સ્કીમ જાહેર કરી હતી. સાથો સાથ કર્મીઓની વધુ ફાયદાની માંગણી સંતોષવાનો પણ સરકારનો હેતુ છે.