હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે ભયંકર ગરમી
ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમીનો દોર શરૂ થઈ ગયો છે. લોકો ત્રાહિમામ પોકારી જાય તેવી ગરમી પડશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 એપ્રિલ સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. ખાસ કરીને, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઈ છે. દિવસ દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે.
સુરેન્દ્રનગરમાં રણનું તાપમાન 44 ડિગ્રીને પાર
સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે. પરંતું આ કરતા વધુ ગરમી રણમાં પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના રણનું તાપમાન 44 ડિગ્રી વટાવી ગયું છે. અગરિયાઓને પણ રણમાં ગરમીથી બચવા માટે તંત્રએ અપીલ કરી છે. સુરેન્દ્રનગર હવામાન વિભાગ દ્વારા હીટવેવની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. બપોરના સમયે સુરેન્દ્રનગરમાં લોકોને ઘરમાં જ રહેવાની તંત્રએ અપીલ કરી છે. વૃધ્ધો અને બાળકો અને ગર્ભવતી મહિલાઓ ગરમીથી સાવચેત રહે તે અંગે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. હીટવેવની પરિસ્થિતિ વચ્ચે વૃદ્ધાના મોત બાદ તંત્રએ ફરી ગાઇડલાઈન જાહેર કરી છે. 80 વર્ષીય વૃદ્ધના મોત બાદ હવે ફરી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
ચિંતા ના કરતા, ચોમાસું વહેલુ આવશે
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે સૌથી મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી આપી છે કે આ વર્ષે ચોમાસું નિયમિત અને સૌથી સારું રહેશે. ભારતીય હવામાન વિભાગે આ વખતે સારામાં સારું ચોમાસું રહેવાની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસામાં સરેરાશ વરસાદ 104થી 106 અને કોઈ કોઈ રાજ્યમાં સરેરાશ વરસાદ 110 ટકા પડશે. એટલું જ નહીં ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે અનિયમિત નહીં પરંતુ નિયમિત વરસાદ પડશે. એટલે કે વાવેતર કર્યા પછી વરસાદની ખેંચ પણ નહીં વરતાય. આ આગાહીનો મતલબ સાફ છે કે આ ચોમાસામાં તૂટક તૂટક નહીં પરંતુ એકધારો વરસાદ પડશે અને પાકને જેવી રીતે જરૂર હોય છે તે રીતે નિયમિત વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે. મહિના પ્રમાણે પણ હવામાન વિભાગે વરતારો આપ્યો છે.
જુલાઈમાં સૌથી સારો વરસાદ આવશે
એ પ્રમાણે આ વર્ષે જૂન મહિનામાં 95 ટકા વરસાદ પડશે. જુલાઈ મહિનામાં 105 ટકા વરસાદ પડશે. ઓગસ્ટ મહિનામાં 98 ટકા વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં 110 ટકા વરસાદ પડશે. વર્ષ 1951થી 2023ના આંકડાઓ પરથી હવામાન વિભાગની આ આગાહી કરી છે. તો ખેડૂતો માટે સારામાં સારા સમાચાર એ છે કે સારો વરસાદ પડવાનો હોવાથી ખેડૂતોનું આ વર્ષ સારું રહેશે.
આ વર્ષનું ચોમાસું છેલ્લાં 15 વર્ષના ચોમાસા કરતાં સારું રહેશે
જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં 104 ટકાથી વધારે વરસાદ પડશે. જો કે દિલ્લી અને ઉત્તર પ્રદેશની ચિંતા વધારે તેવી આગાહી છે. કેમ કે, દિલ્લી અને યૂપીમાં વધારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે સમગ્ર દેશમાં સરેરાશ ચોમાસું સારું રહેવાની આગાહી હોવાથી આ વખતનું ચોમાસું ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. તો કુલ મળીને ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસામાં 104થી 110 ટકા સરેરાશ વરસાદ પડશે. અને ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું છેલ્લાં 15 વર્ષના ચોમાસા કરતાં સારું ચોમાસું રહેશે.