મેહુલ ચોકસીને મુંબઈની આ જેલમાં રાખવામાં આવશે : જાણો જેલમાં કઇ કઇ સુવિધાઓ મળશે? કેન્દ્રએ બેલ્જિયમને યાદી સોંપી
બેલ્જિયમમાં આશરો લઈ રહેલા, 12 હજાર કરોડના પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં સંડોવાયેલા મેહુલ ચોકસીને જો ભારત મોકલવામાં આવે તો તેને મુંબઈની આર્થર રોડ જેલમાં તમામ કાયદેસરની સુવિધા આપવામાં આવશે તેવું ભારતે બેલ્જિયમ સરકારને જણાવ્યું છે. મેહુલ ચોકસીએ તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો હોવાને કારણે ભારતની જેલમાં ન મોકલવા માટે અરજી કરી છે. તેના સંદર્ભમાં ભારત સરકારે આ માહિતીઓ આપી હતી.
ભારતના ગૃહ મંત્રાલયે બેલ્જિયમ સત્તાવાળાઓને આપેલા પત્રમાં જણાવ્યું છે કે ચોકસીને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર 12માં રાખવામાં આવશે. ત્યાં તેને સ્વચ્છ કોટનનું ગાદલું, તકિયો, ચાદર અને કમ્બલ આપવામાં આવશે. તબીબી કારણોસર જરૂર પડે તો લોખંડ કે લાકડાની પથારી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો : દેશમાં થશે સંપૂર્ણ ડિજિટલ વસતિ ગણતરી : જાતિ ગણના પણ થશે,34 લાખ કર્મીઓ પોતાના મોબાઈલથી જ ડેટા કરશે ટ્રાન્સફર
પત્રમાં જણાવાયું છે કે જેલમાં સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા છે અને 24 કલાક તબીબી સેવા મળશે. દરરોજ કોટડીમાંથી બહાર આવીને કસરત અને મનોરંજન માટે એક કલાકથી વધુ સમય આપવામાં આવશે. જેલમાં યોગ, ધ્યાન, બોર્ડ ગેમ્સ, કેઝ્યુઅલ બેડમિન્ટન અને લાઇબ્રેરી જેવી સવલતો પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : તારી ચણિયાચોળીએ જોબનીયા ધેલા કીધાં…ચણિયાચોળીમાં અજરખ પ્રિન્ટ અને લેસનો ટ્રેન્ડ : ખેલૈયાઓ ટ્રેડિશનલ ચશ્મા સાથે ગરબે ઘુમશે
ભારતે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જેલમાં દિવસમાં ત્રણ વખત પૂરતું અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. ડૉક્ટરની સલાહ પર ખાસ ડાયેટ પણ મળી શકે છે. સાથે જેલ કૅન્ટીનમાં ફળો અને જરૂરી નાસ્તો પણ ઉપલબ્ધ છે.
ઉપરાંત આર્થર રોડ જેલના હોસ્પિટલ વિભાગમાં 20 બેડની સુવિધા સાથે ઈસજી સહિતના ઉપકરણો છે. ત્યાં 6 તબીબો, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશ્યન કાર્યરત છે. વધુ સારવારની જરૂર પડ્યે ચોકસીને જેલથી 3 કિમી દૂર આવેલા સરકારી હોસ્પિટલમાં લઈ જવાશે. જેલ પાસે પોતાની એમ્બ્યુલન્સની પણ સુવિધા છે.
આ તમામ ખાતરીઓ બેલ્જિયમની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે જેથી ચોકસીના પ્રત્યાર્પણ અંગેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ધોરણોને ધ્યાનમાં રાખીને લેવાઈ શકે.
