વડાપ્રધાન અને ટ્રમ્પ વચ્ચે અમેરિકામાં 13 મીએ બેઠક : મોદી 12મીએ અમેરિકા જવા રવાના થશે: દુનિયાભરની નજર મંડાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર અને સૈન્ય ભાગીદારી છેલ્લા ઘણા સમયથી ઝડપથી વધી છે. આ મુલાકાતથી તેમાં વધુ મજબૂતી આવવાની સંભાવના છે. બંને એક બીજાને સારા દોસ્ત ગણે છે ત્યારે આ બેઠકમાં મહત્વની વાતો થઈ શકે છે .
ખાસ કરીને ટેરિફ અને ગેરકાયદે રહેતા ભારતીયો અંગે પણ ચર્ચા થઈ શકે છે. ટ્રમ્પ બીજીવાર પ્રમુખ બન્યા બાદ વડાપ્રધાનની આ પ્રથમ અમેરિકા યાત્રા હશે . આ બેઠક તરફ એશિયા સહિતના સમગ્ર દેશની નજર મંડાયેલી છે .
ભારત અને અમેરિકા એક સમાન વ્યૂહાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે, વિશેષ રૂપે ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સ્વતંત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે. 2016માં અમેરિકાએ ભારતને મુખ્ય ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપ્યો હતો, જેનાથી બંને દેશો વચ્ચે સંરક્ષણ સાધનો અને ટૅક્નોલૉજીના ટ્રાન્સફરને વેગ મળ્યો. આ સિવાય, 2018માં ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઑથરાઇઝેશન ટિયર-1નો દરજ્જો મળ્યો, જેનાથી ભારતને લશ્કરી અને દ્વી-ઉપયોગી ટૅક્નોલૉજીની વધુ અનુકૂળ ઍક્સેસ મળી છે .