મેડિકલ સ્ટોર કે નશાની દુકાન ? રાજકોટના 80 કેમિસ્ટ વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
ડ્રગ્સના કારોબાર માટે લેન્ડિંગ પોઈન્ટ બનેલા સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવસેને દિવસે યુવાધન નશાની ગર્તામાં ઘકેલાઈ રહ્યું છે ત્યારે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાન શરૂ કરવા જિલ્લા કલેકટરે સૂચના આપી હતી સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મેડિકલ સ્ટોર ઉપર મળતી નશીલી દવાઓનો કારોબાર રોકવા તાકીદ કરી હતી. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાછલા દિવસોમાં 80થી વધુ કેમિસ્ટની દુકાનો પર ગેરકાયદેસર નશાકારક દવાના વેચાણ મામલે કાર્યવાહી કરી છે.
રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ અભિયાન અન્વયે અવેરનેસ કેમ્પ યોજવા અને કેમિસ્ટની દુકાનોની સમયાંતરે તપાસ કરવા સહિતની જરૂરી સૂચનાઓ અપાઈ હતી. જિલ્લા કલેકટરે શાળા-કોલેજ વિસ્તારોમાં પાન-મસાલા, તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ અટકાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પડતર જમીન પર ગાંજા અને અફીણના છોડનું વાવેતર પર પ્રતિબંધ મુકવા જરૂરી ચર્ચા કરી હતી.
80થી વધુ કેમિસ્ટની દુકાનો પર પર કાર્યવાહી
બેઠકમાં ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ અભિયાન હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વધુને વધુ જનજાગૃતિ કેમ્પનું આયોજન કરવા પર ભાર મુક્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી 80થી વધુ કેમિસ્ટની દુકાનો પર ક્રોડીન, સીરપ, સહિતની ગેરકાયદેસર નશાકારક દવાઓના વેચાણની તપાસ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.આ બેઠકમાં પોલીસ અધિક્ષક હિંમકર સિંહ, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી, આર.આર.ખાંભરા, રાહુલ ગમારા, નાગાજણ તરખલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સેરસીયા, એસ.ઓ.જી.ના અધિકારીઓ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.