કોંગ્રેસનો આંતરકલહ: માતા પ્રદેશ પ્રમુખ અને છતાં પુત્રએ કર્યો પક્ષ સામે બળવો!
હિમાચલ પ્રદેશમાં સ્પષ્ટ બહુમતી છતાં સરકાર પર સંકટ!
ભારતના રાજકારણની કેવી વિડંબના છે? હિમાચલ પ્રદેશની 68 ધારાસભ્યો વાળી વિધાનસભામાં 40 બેઠકો પર વિજય મેળવ્યા બાદ પણ કોંગ્રેસ સરકાર ગબડી પડવાની સ્થિતિમાં આવી ગઈ અને 25 બેઠકો ઉપર વિજય મેળવનાર ભાજપ સતાની ધુરા સંભાળે તેવા સમીકરણો રચાયા છે.જો કે માત્ર બે વર્ષમાં સરકાર ઉપર સંકટ ઘેરાયુ તેના માટે કોંગ્રેસનો આંતરકલહ જવાબદાર છે. કોંગ્રેસીઓમાં સતા લાલસા અને જૂથબંધી કઈ હદે વકર્યા છે તેનું બેનમૂન ઉદાહરણ હિમાચલ પ્રદેશે પૂરું પાડ્યું છે.
રાજ્યસભાના પરિણામો કોંગ્રેસ માટે આઘાતજનક હતા. કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો હતા અને ત્રણ અપક્ષોનું પણ સમર્થન હતું તેમ છતાં 25 બેઠકો ધરાવતા ભાજપના ઉમેદવાર વિજયી થઈ ગયા અને કોંગ્રેસ મોઢું વકાસીને આખો ખેલ જોતી રહી. એટલું ઓછું સંખ્યા બળ હોવા છતાં ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રાખ્યા ત્યારે જ કોંગ્રેસે ચેતી જવાની જરૂર હતી પણ રાજ્યકક્ષાના નેતાઓ અને મોવડી મંડળ પડદા પાછળના રાજકીય પ્રવાહો માપવામાં થાપ ખાઈ ગયા અથવા તો અતિ આત્મવિશ્વાસમાં રહ્યા. રાજ્યસભાની ચૂંટણીના પરિણામની ગણતરીની કલાકો પછી સુખુ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે પણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું. વિક્રમાદિત્ય સિંહ ના પિતા વીરભદ્રસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને છ છ વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. જોવાની ખૂબી એ છે કે વિક્રમાદિત્ય સિંહ ના માતા પ્રતિભા સિંહ હિમાચલ કોંગ્રેસના પ્રમુખ છે.વિક્રમાદિત્ય સિંહે પક્ષ પ્રમુખ માતાના આશીર્વાદથી જ રાજીનામું આપ્યું હોય તેવું દેખીતી રીતે જ માનવામાં આવે છે. ખુદ પક્ષ પ્રમુખે જ પોતાના પક્ષની સરકાર સંકટમાં આવી જાય તેવી પ્રવૃત્તિને નજર અંદાજ કરી હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.વિધાનસભાના અધ્યક્ષ એ ભાજપના 15 ધારાસભ્ય અને સસ્પેન્ડ કર્યા અને તેને કારણે બજેટ પસાર થઈ ગયું એટલે હાલ પૂરતી સરકાર બચી ગઈ છે પરંતુ કોંગ્રેસનો આંતરકલહ જોતા સરકાર કેટલું ટકશે તે અંગે અત્યારથી સવાલો થવા લાગ્યા છે.
વિક્રમાદિત્ય બન્યા હતા યોગી સરકારના’ સ્ટેટ ગેસ્ટ ‘
વિક્રમાદિત્ય સિંહે મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખ ઉપર ધારાસભ્યોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે મારા પિતા છ વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છતાં તેમની પ્રતિમા મૂકવા માટે આ સરકારને માલ રોડ ઉપર નાનકડી જગ્યા પણ નથી મળતી. વિક્રમાદિત્ય સિંહ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની સત્તાવાર નીતિઓની વિરુદ્ધમાં આચરણ કરી રહ્યા હતા. તેમણે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ભાગ લીધો હતો. એ મહોત્સવમાં રાજ્યોના મુખ્યમંત્રી કે ગવર્નરને આમંત્રણ નહોતા આપવામાં આવ્યા પણ ઉત્તર પ્રદેશની યોગી સરકારે વિક્રમાદિત્ય સિંહને સ્ટેટ ગેસ્ટનું સન્માન આપી અને આગતા સ્વાગત કરી હતી અને છતાં પડદા પાછળ કંઈક રંધાઈ રહ્યું છે તેની કોંગ્રેસના નેતાઓને ગંધ પણ ન આવી!
મુખ્યમંત્રી બદલવામાં આવે તેવી સંભાવના
સરકાર બચાવવાના છેલ્લા ઉપાય તરીકે કદાચ મુખ્યમંત્રી પદેથી સુખવિન્દર સિંહ સુખુને હટાવવામાં આવે તેવી પણ સંભાવના છે. એ સંજોગોમાં પક્ષ પ્રમુખ પ્રતિભા સિંહ, રાજેન્દ્ર રાણા અને રવિ ઠાકુર રેસમાં આગળ હોવાનું માનવામાં આવે છે. તે પૈકીના રાજેન્દ્ર રાણા અને અન્ય પાંચ ધારાસભ્યો રાજ્યસભાના મતદાન બાદ હરિયાણાના પંચકુલા થી અજાણ્યા સ્થળે રવાના થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
કેવો વિશ્વાસઘાત? કેવો દગો? અભિષેક મનુ સિંઘવીની વ્યથા
રાજ્ય સભામાં પરાજય મળ્યા બાદ અભિષેક મનુ સંઘવી વિષાદ યોગમાં ગરકાવ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે રાતોરાત લોકોની વિચારધારામાં કેવું પરિવર્તન આવી જાય છે અને લોકો કેવો વિશ્વાસઘાત કરી શકે છે, કેવો દગો આપી શકે છે તેનો મને અનુભવ થયો. તેમણે કહ્યું કે પક્ષની વિરુદ્ધ મતદાન કરનાર તમામ ધારાસભ્યોએ આગલી રાત્રે મારી સાથે ડિનર લીધું હતું. મતદાનના દિવસે અમે સાથે બ્રેકફાસ્ટ કર્યો અને તે પછી એ બધાએ મારી વિરૂધ્ધમાં મતદાન કર્યું. તેમણે કોંગ્રેસના ઉમેદવારને વિજેતા જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણય સામે પણ સામેબસવાલ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે ડ્રો થયો ત્યારે અભિષેક સિંઘવીના નામની ચિઠ્ઠી બહાર નીકળી હતી.આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે જેના નામની ચિઠ્ઠી નીકળે એ પરાજિત ગણાય એ નિયમની મને ત્યાં સુધી ખબર નહોતી.
