દિલ્હીમાં સીઆરપીએફ સ્કૂલ નજીક પ્રચંડ ભેદી વિસ્ફોટ: ભાંગફોડનો હેતુ કે આતંકવાદી ષડયંત્ર ?
શાળાની દિવાલ તથા આસપાસની દુકાનોમાં નુકસાન
દિલ્હીના રોહિણીમાં પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલ
સીઆરપીએફ પબ્લિક સ્કૂલ નજીક રવિવારે સવારે પ્રચંડ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.આ ભેદી વિસ્ફોટને પગલે તપાસમાં જોડાયેલી વિવિધ એજન્સીઓએ ટેરર એંગલ સહિત અલગ અલગ થીયરીઓ પર તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સવારે 7.47 મિનિટે પ્રચંડ વિસ્ફોટ થતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
ઘટના સ્થળનું આકાશ ધુમાડાથી છવાઈ ગયું હતું.આ વિસ્ફોટમાં સ્કૂલની દિવાલને નુકસાન થયું હતું અને આસપાસ પડેલી અનેક ગાડીઓના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે નજીકની તમામ દુકાનોના કાચ તૂટી ગયા હતા અને હોર્ડિંગસ જમીન પર ખાબક્યાં હતા. બનાવની જાણ થતા જ જંગી પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો. એનએસજીના કમાન્ડો તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસના ભાગરૂપે એ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઈનો ચેક કરવામાં આવી હતી. સદભાગ્ય આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ક્રૂડ બોમ્બ હોવાનું પ્રાથમિક તારણ
સૂત્રોના જણાવ્યા મુજબ આ ભેદી વિસ્ફોટ ક્રૂડ બોમ્બનો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. ઘટનાની ગંભીરતા પારખી આખા વિસ્તારને ઘેરાબંધી કરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી.ક્રૂડ બોમ્બ કોણે મૂક્યો તેનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.વિસ્ફોટની આ ઘટના કોઈ ખતરનાક ષડયંત્ર હોવાની સંભાવના પણ પોલીસ નકારી નથી રહી.
બે કિલોમીટર સુધી અવાજ સંભળાયો
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બે કિલોમીટર સુધીના વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો હતો. આ વિસ્ફોટને કારણે જે રીતે નજીકની સંખ્યાબંધ દુકાનો અને ગાડીઓના કાચ તૂટી ગયા તે જોતાં આ દિશાસૂચક વિસ્ફોટ હોવાનું અને શોક વેવ એટલે કે આંચકાના તરંગો સર્જાય તે રીતે વિસ્ફોટક ગોઠવવામાં આવ્યો હોવાનું પોલીસ માને છે.પોલીસના કહેવા મુજબ આવા વિસ્ફોટકોમાં ઘન અથવા પ્રવાહી વિસ્ફોટક સામગ્રી ખૂબ જ ગરમ, ગાઢ અને ઉચ્ચ દબાણવાળા ગેસમાં પરિવર્તિત થાય છે. વિસ્ફોટ સામગ્રી શરૂઆતમાં આસપાસની હવામાં ખૂબ ઊંચા વેગ પર વિસ્તરે છે, જેના થકી સર્જાતા દબાણને કારણે આંચકા આવે છે.
નુકસાનગ્રસ્ત દિવાલ પાસેથી સફેદ પાવડર જેવો પદાર્થ મળ્યો
એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડે પણ આ ભેદી વિસ્ફોટનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી હતી. આ વિસ્ફોટમાં નુકસાનગ્રસ્ત થયેલી શાળાની દિવાલ નજીકથી સફેદ પાવડર જેવા પદાર્થ મળી આવતા ફોરેન્સિક ટીમે તેની ચકાસણી હાથ ધરી છે. પોલીસે ઘટનાનો ભેદ ઉકેલવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચકાસવાનું શરૂ કર્યું હતું. નોંધનીય છે કે આવા કૃતિઓ માટે આતંકવાદીઓ ટેલિગ્રામ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે.