મસાજ, પુલસેશન, સારી ઉંઘ : આજે ‘મોટી લડાઈ’ માટે ટીમ ઈન્ડિયાને કરાઈ તૈયાર! અભિષેક સંપૂર્ણ ફિટ, હાર્દિકની ફિટનેસ પર નજર રખાઈ
41 વર્ષના એશિયા કપના ઈતિહાસમાં આજે રવિવારે પહેલીવાર ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે ત્યારે બન્ને ટીમ ચેમ્પિયન બનવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. ભારત હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં `અજેય’ રહ્યું છે ત્યારે સળંગ સાત મેચ જીતીને ટ્રોફી ઉઠાવવાના ઈરાદા સાથે ઉતરશે. બન્ને દેશ માટે આ મેચ ભાવનાત્મક રીતે પણ જોડાયેલી હોવાથી ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને ઉમદા પ્રદર્શન કરવા માટે સજ્જ કરવા માટે નાની અમથી કચાશ રાખવામાં આવશે નહીં. ખાસ કરીને મેચના આગલા દિવસે એટલે કે શનિવારે કોઈ પ્રકારનું પ્રેક્ટિસ સેશન યોજાયું ન્હોતું અને તમામ પ્લેયર્સ ઉમદા ઉંઘ લ્યે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી.
આ ઉપરાંત પુલસેશન મતલબ કે સ્વિમિંગ પુલમાં ધૂબાકા મારવા તેમજ મસાજ આપીને તમામને મોટી લડાઈ માટે માનસિક રીતે તૈયાર કરાયા હતા. શ્રીલંકા સામે સુપર ઓવરમાં જીત મેળવ્યા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલે ભારપૂર્વક જણાવ્યું કે હાર્દિક પંડ્યાની ફિટનેસ ઉપર બાજનજર રાખવામાં આવી રહી છે તો અભિષેક શર્મા સંપૂર્ણપણે ફિટ છે.
આ મેચમાં દરેક ખેલાડી સમજદારીપૂર્વક રમે તે માટે તૈયારી કરવામાં આવી છે. જબરદસ્ત ફોર્મમાં રમી રહેલા અભિષેક શર્માએ ત્રણ ફિફટી ઉપરાંત ત્રણ વખત 30થી વધુનો સ્કોર બનાવ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી બે મેચમાં અભિષેકે શાહિન આફ્રિદીને ધોઈ નાખ્યો હતો ત્યારે હવે ફાઈનલમાં પણ બન્ને આમને-સામને હોવાથી જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી મેચમાં અભિષેક ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેણે 31 બોલમાં 61 રન બનાવ્યા બાદ સ્નાયુ ખેંચાઈ ગયા હતા જેના કારણે તે ફિલ્ડિંગ માટે મેદાન પર આવ્યો ન્હોતો. જ્યારે હાર્દિક પંડ્યા પણ સ્નાયુ ખેંચાઈ જવાથી એક જ ઓવર ફેંકી શક્યો હતો.
