સામૂહિક હત્યાકાંડ : યુવકે હથોડીના ઘા ઝીંકી દાદી, નાના ભાઈ સહિત 5ની હત્યા કરી, પ્રેમિકાને પણ ના છોડી
કેરળની રાજધાની થીરુંવંથપુરમ નજીક આવેલા વેંજારમૂડુ નગરમાં એક યુવાને તેના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરતા હાહાકાર મચી જવા પામ્યો છે.એ યુવાને કરેલા હુમલામાં તેની માતા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.લોહીની હોળી ખેલ્યા બાદ હત્યારો જાતે પોલીસ મથકે હાજર થયો હતો.પોલીસ તપાસમાં તે ડ્રગની અસર હેઠળ હોવાનું ખુલ્યું હતું.આરોપીએ પોતે પણ ઝેર પીધું હોવાનું જણાવતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ 23 વર્ષના આફાન નામના યુવાને ત્રણ અલગ અલગ ઘરમાં જઈને આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તેણે હથોડા જેવા વજનદાર હથિયાર વડે માથા પર ઉપરાછાપરી ઘા ઝીંકીને તેના 13 વર્ષના નાનાભાઈ અહેસાન, 80 વર્ષના દાદી સલમા બીબી, કાકા લતીફ, કાકી શાહિહા અને પ્રેમિકા ફરસાના ને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યા હતા. તેણે સગી જનેતા ઉપર પણ હથોડા ઝીંકતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી.હોસ્પિટલમાં તેની હાલત નાજુક હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ બનાવને પગલે સમગ્ર નગર સ્તબ્ધ બની ગયું હતું.હત્યારો અફાન અત્યંત મૃદુભાષી અને સરળ યુવાન હોવાની છાપ ધરાવતો હોવાથી તેણે કરેલા હત્યાકાંડે આશ્ચર્ય સર્જ્યું હતું.આર્થિક ભીંસ અથવા પારિવારિક વિવાદને કારણે આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે