રાજકોટમાં બેંકનું ફોર્મ ભરવાના બહાને રૂમમાં લઈ જઈ 22 વર્ષની યુવતી પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદની સજા
રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને પડોશી શખસ બેંકનું ફોર્મ ભરવાના બહાને બોલાવી રૂમમાં ખેંચી લઈ જબરદસ્તી કરી મારી નાખવાની ધમકી આપી પોતાની હવસ સંતોષી હતી. આ ઘટના બાદ આઘાતમાં સરી પડેલી યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકવાનો પ્રયાસ કર્યો હતો. કેસ ચાલવા પર આવતા ભોગ બનનારની જુબાની અને પુરાવાને ધ્યાને લઈને સેશન્સ જજ ટી.એસ.બ્રહ્મભટ્ટે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા અને 50,000નો દંડનો હુકમ કર્યો છે.
તારીખ 1-7-2023ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 22 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકાએ તેને બેંકનું ફોર્મ ભરવામાં મદદ કરવાના બહાને બોલાવી હતી. ત્યારબાદ આરોપીએ યુવતીનું બાવડું પકડી, બળજબરીપૂર્વક તેને પોતાના ઘરમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી અને ભારે આઘાતમાં સરી પડી હતી. સમાજમાં બદનામી અને આઘાત સહન ન થતા તેણે આત્મહત્યા કરવા માટે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું ‘ડાઈંગ ડેકલેરેશન’ લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :પ્રયોશા જવેલર્સમાંથી 2 લાખથી વધુની ખરીદી કરનારાને નોટિસ ફટકારાશે: પ્રથમ વખત રાજકોટમાં જવેલરી સેકટર નિશાને
આ નિવેદનમાં પણ યુવતીએ આરોપી દ્વારા કરવામાં આવેલા અત્યાચારની વિગતો જણાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેના સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ મુકેશ પીપળીયાએ પ્રોસીક્યુશન પક્ષે ધારદાર દલીલો કરી જણાવ્યું હતું કે, યુવતીએ કોર્ટમાં સોગંદ પર અડગ રહીને પોતાની સાથે થયેલા અન્યાયની વિગતવાર જુબાની આપી હતી. ડોક્ટરની જુબાની, મેડિકલ સર્ટિફિકેટ અને એફ.એસ.એલ.ના રિપોર્ટ રજૂ કરાયા હતા. સીઆરપીસી કલમ 164 મુજબનું નિવેદન અને હોસ્પિટલમાં લેવાયેલું ડાઈંગ ડેકલેરેશન મહત્વના પુરાવા સાબિત થયા હતા.જ્યારે કોઈ સ્ત્રી પોતાની મરજી વિરુદ્ધ બળાત્કાર થયાનું સોગંદ પર જાહેર કરે, ત્યારે તે પુરાવો અત્યંત ગંભીર અને ગ્રાહ્ય ગણવો જોઈએ. તમામ સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે આરોપીને જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકાને આજીવન કેદની સજા ફટકારી હતી.
