મહાકુંભ મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો
ઉત્તર પ્રદેશ પોલીસે બિહારમાંથી ધરપકડ કરી
મુસ્લિમ નામે હિન્દુ યુવાને ધમકી આપી હતી
પ્રયાગરાજ ખાતે યોજાનાર મહા કુંભ મેળાને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપનાર એક યુવાનની ઉત્તર પ્રદેશ પોલીસે બિહારના શહીદગંજમાંથી ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ 31 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વારીસ પઠાણ નામના શખ્સે કુંભ મેળાને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો પોસ્ટ કર્યો હતો. પ્રયાગરાજ પોલીસે આ અંગે ગુનો નોંધી તેની આઈડી ઉપરથી સગડ મેળવતા
હકીકતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરનું એ એકાઉન્ટ બિહારના ભવાનીપુર જિલ્લાના શહીદગંજ ગામમાં રહેતા આયુષકુમાર જયસ્વાલનું હોવાનું ખુલ્યું હતું. બાદમાં ભવાનીપુર પોલીસની મદદથી ઉત્તર પ્રદેશ પોલીસે આયુષ કુમાર જયસ્વાલને ઝડપી લીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ધમકી આપતી પોસ્ટ મુક્યા બાદ આયુષ કુમાર નેપાળ ચાલ્યો ગયો હતો.
નોંધનીય છે કે કુંભ મેળાને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપતી આ પોસ્ટના પ્રતિભાવમાં પણ અનેક ભડકામણી પોસ્ટ વાયરલ થઈ હતી. જોકે એક હિન્દુ યુવાને જ ખોટું નામ રાખી આ ધમકી આપી હોવાનું ખૂલતાં ભારે ચકચાર જાગી છે.
આ ગુનામાં આયુષ કુમાર સાથે અન્ય કોઈ સામેલ હતું કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.