સુદાનમાં મોટી દુર્ઘટના : લશ્કરી વિમાન ક્રેશ થતાં 46 લોકોના મોત
સુદાનનું લશ્કરી વિમાન બુધવારે ઓમદુરમન શહેરમાં ક્રેશ થયું હતું આ દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા 46ના મોત થયા હતા જેમાં આર્મીના જવાનો અને નાગરિકોનો પણ સમાવેશ થાય છે . આ માહિતી લશ્કરી અને આરોગ્ય અધિકારીઓએ બુધવારે આપી હતી.
એપીના અહેવાલ મુજબ, સેના દ્વારા અપાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા છે. આ ઉપરાંત અકસ્માત પાછળનું મુખ્ય કારણ શું હતું તે પણ જણાવવામાં આવ્યું ન હતું. સુદાનિસ આર્મીના રિપોર્ટ અનુસાર, સેનાનું એન્ટોનોવ વિમાન મંગળવારે (24 ફેબ્રુઆરી) ઓમદુરમનની ઉત્તરે વાડી સૈયદના એરબેઝ પરથી ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું.
સુદાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી ગયો હતો અને મૃતદેહોને ઓમદુરમનની નાઉ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે પાંચ નાગરિકો પણ ઘાયલ થયા હતા અને એમને પણ હોસ્પિટલ ખસેડાયા હતા.
સુદાન 2023 થી ગૃહયુદ્ધની સ્થિતિમાં છે, જ્યારે દેશની સેના અને કુખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે તણાવ ખુલ્લા યુદ્ધમાં પરિણમ્યો હતો. આ સંઘર્ષ શહેરી વિસ્તારો, ખાસ કરીને દારફુર પ્રદેશને તબાહ કરી રહ્યો છે, અને વંશીય હિંસા અને સામૂહિક બળાત્કાર જેવી ભયાનક ઘટનાઓને જન્મ આપી રહ્યો છે.