જીવલેણ કફ સિરપ મામલે MP પોલીસની મોટી કાર્યવાહી : કંપનીના માલિકની ધરપકડ, SITએ જાહેર કર્યું’તું ઈનામ
મધ્યપ્રદેશમાં બાળકોના મૃત્યુનું કારણ બનેલી કોલ્ડરિફ કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના ડિરેક્ટર ગોવિંદન રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા રચાયેલી SIT ટીમે બુધવારે રાત્રે ચેન્નાઈમાં દરોડા પાડી રંગનાથનની ધરપકડ કરી હતી. આ કેસમાં હલકી ગુણવત્તાવાળી દવાઓના ઉત્પાદન અને વેચાણની વ્યાપક તપાસ શરૂ થઈ હતી.
શું છે સમગ્ર મામલો?
મધ્યપ્રદેશ પોલીસે જીવલેણ ‘કોલ્ડ્રિફ’ કફ સિરપ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કાર્યવાહી કરીને શ્રીસન મેડિકલ્સના માલિક રંગનાથનની ધરપકડ કરી છે. કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી 21 બાળકોના મોત થયાની ભયાનક ઘટના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટડીમાં લીધા બાદ, રંગનાથનની સમગ્ર કેસ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :રાજકોટના રેસકોર્સ રિંગરોડ ઉપર 5 દિવસ ‘દિવાળી કાર્નિવલ’ : ધનતેરસથી દિવાળી સુધી અનેક કાર્યક્રમ યોજાશે, તડામાર તૈયારી શરૂ
આરોપીઓની ધરપકડ કરવામાં મદદ કરનારને ઈનામ
અગાઉ, મધ્યપ્રદેશ પોલીસે આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીના ફરાર માલિકો માટે ઈનામની જાહેરાત કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં મદદ કરનાર કોઈપણને ₹20,000 નું રોકડ ઈનામ જાહેર કર્યું હતું. વધુમાં, કંપનીના ફરાર માલિકોની ઝડપી ધરપકડ સુનિશ્ચિત કરવા માટે એક ખાસ SIT ટીમની રચના કરવામાં આવી હતી, જેના પરિણામે રંગનાથનની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :રાજકોટના રેસકોર્સ લવ ગાર્ડન પાસે પોલીસના નામે રૂ.32 લાખની લૂંટ: TRB જવાન સહિત 4 લોકોનું કારસ્તાન, વાંચો સમગ્ર ઘટના
મધ્યપ્રદેશ સરકારનો મોટો આરોપ
મધ્યપ્રદેશના આરોગ્ય રાજ્યમંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં દૂષિત કફ સિરપ ખાવાથી 21 બાળકોના મોત થયા હતા, અને આ ગંભીર બેદરકારી માટે તમિલનાડુ સરકાર જવાબદાર છે.
પટેલે કહ્યું, “રાજ્યમાંથી નિકાસ થતી દવાઓનું નિરીક્ષણ કરવાની જવાબદારી તમિલનાડુ સરકારની હતી. મધ્યપ્રદેશ સરકાર રાજ્યમાં આવતી દવાઓનું રેન્ડમ નિરીક્ષણ પણ કરે છે, પરંતુ આ સીરપ આકસ્મિક રીતે ચૂકી ગઈ હતી.”
કોલ્ડરિફ કફ સિરપ ભેળસેળયુક્ત જાહેર
તમિલનાડુના આરોગ્યમંત્રી સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 3 ઓક્ટોબરના રોજ ડ્રગ કંટ્રોલર દ્વારા લેવામાં આવેલા નમૂનાઓના લેબ રિપોર્ટમાં કોલ્ડરિફ કફ સિરપ ભેળસેળયુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. અહેવાલો બાદ, કંપનીને તાત્કાલિક ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કાંચીપુરમ જિલ્લાના સુંગુવરચત્રમ વિસ્તારમાં આવેલી આ ફેક્ટરી છેલ્લા 14 વર્ષથી કોલ્ડરિફ સિરપનું ઉત્પાદન કરી રહી હતી. કંપની ઘણા રાજ્યોમાં તેના ઉત્પાદનો સપ્લાય કરે છે.
