તેલંગાણામાં મોટો અકસ્માત : નિર્માણાધીન સુરંગનો એક ભાગ એકાએક તૂટી પડતાં 6 થી 8 જેટલા શ્રમિકો દબાયા
તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં એક મોટી ટનલ દુર્ઘટના બની છે. અહીં એક ટનલનો એક ભાગ તૂટી પડતાં છથી વધુ કામદારો કાટમાળ નીચે ફસાયા છે. કામદારોને બચાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં, ફસાયેલા કામદારોની સંખ્યા છ છે કે આઠ તે સ્પષ્ટ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે, શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
8 શ્રમિકો ફસાયા હોવાની આશંકા
પોલીસે જણાવ્યું કે, નિર્માણ કંપનીની એક ટીમ મૂલ્યાંકન માટે સુરંગની અંદર ગઈ છે અને પુષ્ટિ કરી છે કે, શ્રમિકો ફસાયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કામમાં લાગેલી કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 6 થી 8 શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે.
અધિકારીએ જણાવ્યું કે, ‘આ ઘટના ત્યારે ઘટી જ્યારે કેટલાક શ્રમિકો કામ અર્થે અંદર ગયા હતા, ત્યારે જ સુરંગના 12-13 કિલોમીટર અંદર છત ધરાશાયી થઈ.’
CM એક્શનમાં, અધિકારીઓને આપ્યો નિર્દેશ
જોકે, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં સંખ્યા જણાવ્યા વિના કેટલાક લોકો ઘાયલ થયા હોવાનો સંકેત આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓને રાહત કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીના નિર્દેશ પ્રમાણે રાજ્યના સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડી, સિંચાઈ બાબતોના સરકારી સલાહકાર આદિત્યનાથ દાસ અને અન્ય સિંચાઈ અધિકારીઓ સ્પેશિયલ હેલિકોપ્ટરમાં ઘટનાસ્થળે જવા રવાના થયા છે.
કેન્દ્રીય મંત્રીએ અધિકારી સાથે કરી વાત
બીજી તરફ દુર્ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ ઘટનાના કારણો વિશે માહિતી માંગી અને અધિકારીઓને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા જણાવ્યું છે. તેમણે અધિકારીઓને ઘાયલોને સારવાર અપાવવા પણ કહ્યું છે.